નવી દિલ્હીઃ દેશના પાટનગર દિલ્હીમાં આપ સરકાર અને પ્રશાસન ફરીથી એકવાર સામસામે આવી ગયા છે. મંગળવારે વિજિલન્સ પ્રધાન આતિશીએ મુખ્ય પ્રધાન કેજરીવાલને 670 પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો. હવે મુખ્ય સચિવ નરેશકુમારે નિવેદન આપ્યું છે. તેમણે 670 પાનાનો રિપોર્ટ કોઈ પ્રધાને વાંચ્યો છે તેવો વેધક સવાલ પણ કર્યો હતો. આ આરોપો ક્યા આધાર પર લગાડવામાં આવ્યા છે તેવું પુછ્યું હતું.
નરેશકુમારના કેજરીવાલ સરકાર પર આકરા વાકપ્રહારો અને વેધક સવાલો
- રિપોર્ટની કોપી આપવામાં નથી આવી, હવે કોઈ કેવી રીતે જવાબ આપે કે કયા આધાર પર રિપોર્ટ આપે ?
- જો જમીન માલિકોએ 2015માં 7 ટકા રેટથી જમીન ખરીદી તો મુખ્ય પ્રધાન, રેવન્યૂ પ્રધાન અને વિજિલન્સ પ્રધાન તેમજ અન્ય અધિકારીઓએ અત્યાર સુધી શું કર્યુ ?
- હેમંતકુમાર વિરુદ્ધ ભારત સરકારે પહેલેથી જ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. જો કોઈ પાસે આ સંદર્ભે રિપોર્ટ હોય તો તે સીબીઆઈને સોંપે જેથી સત્ય બહાર આવે.
- શું હેમંતકુમારના પોલિટિકલ ગોડફાધર અને બીજા લોકો સ્વાર્થ સાધવા માટે તેને બચાવી રહ્યા છે ?
- શું તેઓ ડરી રહ્યા છે કે હેમંતકુમાર સીબીઆઈ સમક્ષ સાચી હકિકતો જણાવી ન દે ?
- મને બદનામ કરવા માટે રચવામાં આવેલા ષડયંત્રોની તપાસ સીબીઆઈ અને ઈડી દ્વારા કરાવો.
આઈએએસ ઓફિસરે મુખ્ય સચિવનો બચાવ કર્યોઃ ઉલ્લેખનીય છે કે સોમવારે સમગ્ર મામલે મુખ્ય સચિવ નરેશકુમારના બચાવમાં સીનિયર આઈએએસ ઓફિસર અશ્વિનીકુમાર મેદાને પડ્યા છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપોથી ઘેરાયેલા નરેશકુમારનો બચાવ કર્યો હતો. તેમણે નરેશકુમાર વિરુદ્ધ લાગેલા આરોપોને પાયાવિહોણા અને ખોટા જણાવ્યા હતા. તેમણે મુખ્ય સચિવના ચરિત્ર હનનનો આરોપ પણ લગાડ્યો હતો. જે રાજકારણથી પ્રેરિત હોવાનું આઈએએસ ઓફિસરે જણાવ્યું હતું. તેમણે નરેશકુમાર ઉપર લગાડેલ આરોપો ગંદા રાજકારણનો ખેલ ગણાવ્યો હતો.