રાજસ્થાન : રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો અને તેમના નેતાઓએ એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. આ સાથે સામાન્ય યુઝર્સ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક વાંધાજનક પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ જયપુરના સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
વાંધાજનક પોસ્ટમાં શું હતું ? સાયબર પોલીસ સ્ટેશનના પ્રભારી ચંદ્ર પ્રકાશના જણાવ્યા અનુસાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ જસવંત સિંહ ગુર્જરે ગુરુવારે રાત્રે જયપુરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ખોટી, ભ્રામક અને વાંધાજનક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસને લઈને ખોટી અને ભ્રામક માહિતી શેર કરવામાં આવી છે.
જસવંતસિંહના આક્ષેપ : જસવંત સિંહ ગુર્જરે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, આ હેન્ડલથી કરવામાં આવેલી પોસ્ટમાં ચૂંટણી દરમિયાન આપસી શાંતિને બગાડવાનો અને નિષ્પક્ષ તથા સ્વતંત્ર ચૂંટણીને પ્રતિકૂળ રુપથી પ્રભાવિત કરવાનો ખરાબ પ્રયાસ કરવામાં આવ્યો છે. આનાથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને રાહુલ ગાંધીની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યું છે.
સાયબર પોલીસમાં ફરિયાદ : સાયબર પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે, કોંગ્રેસના નેતા જસવંત સિંહ ગુર્જરની ફરિયાદ પર મેજર સુરેન્દ્રસિંહ પુનિયા વિરુદ્ધ IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. સાયબર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ચંદ્રપ્રકાશ આ કેસની તપાસ કરી રહ્યા છે.