મોન્ટ્રીયલ: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધ છેલ્લા એક મહિનાથી ચર્ચામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત ભારત અને કેનેડાના વચ્ચેના સંબંધને લઈને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે ભારત સાથે ગાઢ સંબંધો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી હોવાનું સામે આવ્યું છે. કેનેડિયન અખબાર નેશનલ પોસ્ટ અનુસાર, ટ્રુડોએ કહ્યું કે કેનેડા હજુ પણ ભારત સાથે ગાઢ સંબંધો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વભરમાં ભારતના વધતા પ્રભાવ તરફ ઈશારો કરતા ટ્રુડોએ કહ્યું કે કેનેડા અને તેના સાથી દેશો ભારત સાથે જોડાયેલા રહે તે 'અત્યંત મહત્વપૂર્ણ' છે.
ખૂબ જ ગંભીર: ગુરુવારે મોન્ટ્રીયલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, ટ્રુડોએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે તે 'અત્યંત મહત્વપૂર્ણ' છે કે કેનેડા અને તેના સાથી દેશો ભારત સાથે 'રચનાત્મક અને ગંભીરતાથી' જોડાણ કરવાનું ચાલુ રાખે, કારણ કે વિશ્વ મંચ પર ભારતનું વધતું મહત્વ છે. કેનેડાના પીએમએ કહ્યું કે ભારત એક ઉભરતી આર્થિક શક્તિ અને મહત્વપૂર્ણ ભૂ-રાજકીય દેશ છે. ગયા વર્ષે અમે અમારી ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના રજૂ કરી હતી, અમે ભારત સાથે ગાઢ સંબંધો બનાવવા માટે ખૂબ જ ગંભીર છીએ.
સંબંધો વધુ ખરાબ કર્યા: કેનેડાના વડા પ્રધાન ટ્રુડો દ્વારા હત્યામાં ભારતીય સંડોવણીના આરોપો બાદ ભારતે કેનેડામાં તેની વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, ભારતે તેના નાગરિકો અને કેનેડામાં મુસાફરી કરતા લોકોને ભારત વિરોધી ગતિવિધિઓ અને દેશમાં રાજકીય રીતે સમર્થિત નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપી છે.
સક્રિયપણે અનુસરી: ટ્રુડોએ કહ્યું કે આ એવી બાબત છે. જેને તમામ લોકશાહી દેશો, કાયદાના શાસનનું સન્માન કરતા તમામ દેશોએ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે અમારા તમામ ભાગીદારો સાથે ભારત સરકાર પ્રત્યેના અમારા અભિગમ સહિત કાયદાના શાસનના સંદર્ભમાં વિચારશીલ, જવાબદાર રીતે આગળ વધી રહ્યા છીએ. ટ્રુડોએ તારીખ 18 સપ્ટેમ્બરના રોજ કેનેડિયન હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારતીય સરકારી એજન્ટો અને નિજ્જરની હત્યા વચ્ચે 'સંભવિત જોડાણના વિશ્વસનીય આરોપો'ને સક્રિયપણે અનુસરી રહી છે.
કેનેડિયન નાગરિકની હત્યા: ટ્રુડોએ કહ્યું કે તેમને યુએસ તરફથી ખાતરી મળી છે કે સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન ગુરુવારે વોશિંગ્ટન ડીસીમાં તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા વિશે વાત કરશે. નેશનલ પોસ્ટે ટ્રુડોને ટાંકીને કહ્યું છે કે ભારત સરકાર સાથે વાતચીતમાં અમેરિકા અમારું સમર્થન કરી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ સમજે છે કે તે વિશ્વાસપાત્ર આરોપો પર કાર્યવાહીમાં જોડાય તે કેટલું મહત્વપૂર્ણ છે. ભારત સરકારના એજન્ટોએ કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યા કરી તે ખૂબ જ ગંભીર બાબત છે.