નવી દિલ્હી : તાજેતરમાં દિલ્હી ખાતે G20 સમિટ અંતર્ગત વિશ્વભરના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમની ગંભીરતાને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપ G20 સમિટ ભારત માટે જબરદસ્ત સફળ રહી. પરંતુ દિલ્હીના દુકાનદારો અને રેસ્ટોરન્ટ માલિકોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. એક અહેવાલ અનુસાર, અંદાજે દિલ્હીના વેપારીઓને રુ. 400 કરોડનું નુકસાન થયું છે. ઉપરાંત લગભગ 9,000 ડિલિવરી કર્મચારીઓને અસર થઈ છે. કારણ કે G20 સમિટની તૈયારી અને આયોજનને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી વિસ્તારના બજાર અને મોલ ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા હતા.
સ્થાનિક બજાર પ્રભાવિત : G20 સમિટના કારણે પ્રભાવિત થયેલા વ્યપારીઓમાં ફક્ત દિલ્હીના પ્રગતિ મેદાનની આસપાસના દુકાનદારો જ નહીં, પરંતુ નિયંત્રિત વિસ્તારની બહારના પણ કેટલાક વ્યપારીઓની અસર થઈ હતી. કારણ કે, ટ્રાફિક પ્રતિબંધના કારણે લોકોને ઘરની બહાર નિકળવાની મનાઈ હતી. નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશનના (NDTA) પ્રમુખ અતુલ ભાર્ગવે આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, બંધના આ ત્રણ દિવસોમાં નવી દિલ્હીના વેપારીઓને અંદાજે રુ. 300-400 કરોડનું નુકસાન થયું છે. અમે G20 સમિટ રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સુરક્ષા મુખ્ય મુદ્દો હોવાથી અમે માનીએ છીએ કે, મહેમાનોએ દેશની યોગ્ય છબી સાથે પાછા જાય તે જરુરી છે.
400 કરોડનું નુકસાન : ઉલ્લેખનિય છે કે, G20 સમિટ માટે નવી દિલ્હીમાં તમામ વ્યાપારી અને આર્થિક સંસ્થાઓ 8 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે બંધ રાખવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં ખોરાક અને ડિલિવરી બંનેની સંખ્યામાં ઓછામાં ઓછા 50 ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત NCR વિસ્તારના વેચાણમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તે સ્પષ્ટ છે કે આ પ્રકારની સમિટ અથવા કાર્યક્રમના આયોજન કરવાથી સ્થાનિક વ્યાપારને અસર થઈ છે.
મહત્વના બજારોને બંધનો માર : આ અંગે કેટલાક દુકાનદારોનું કહેવું છે કે, માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ ગુરુગ્રામમાં પણ વ્યાપાર અને વેચાણ પર અસર જોવા મળી હતી. કારણ કે વાહન વ્યવહાર થંભી ગયો હતો. જેના કારણે સામાન દિલ્હીથી ગુરુગ્રામ જઈ શક્યો ન હતો. આ સિવાય દિલ્હીના મહત્વના બજારોને આ બંધનો માર સહન કરવો પડ્યો હતો. જેમાં ખાન માર્કેટ, કનોટ પ્લેસ અને જનપથ જેવા બજારોનો સમાવેશ થાય છે. આ બજાર ખરીદી અને ખાણીપીણી માટેના મુખ્ય કેન્દ્ર હતા. ઉપરાંત અહીં મોટી સંખ્યામાં વિદેશી મુલાકાતીઓ દ્વારા મુલાકાત લેવામાં આવતી હતી. આ બજારોના કમાણીની સારી તક હતી દુકાનદારો ચૂકી ગયા. અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર રાજધાનીમાં વ્યાપાર પર અસર જોવા મળી છે.