મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે પતિના મૃત્યુ બાદ પત્નીને બાળકોના લીગલ ગાર્ડિયન તરીકે માન્યતા આપી છે. બે જોડિયા બાળકોના પિતાના મૃત્યુ બાદ બાળકોની કસ્ટડી માટે હાઈ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે બાળકોના લીગલ ગાર્ડિયન તરીકે માતાને માન્યતા આપી છે.
અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશ રિયાઝ ચાગલાએ બાળકોની માતાને લીગલ ગાર્ડિયન તરીકે મંજૂરી આપી. કોર્ટે આ સંદર્ભે 17 નવેમ્બરે પોતાનો આદેશ જાહેર કર્યો છે. અરજીકર્તાના પતિનું મૃત્યુ 2008માં થયું હતું. આ મહિલાને 24 વર્ષીય દીકરો છે. આ ઉપરાંત 15 વર્ષીય બે જોડિયા બાળકો પણ છે. જો કે આ જોડિયા બાળકોમાં એક દિવ્યાંગ દીકરી પણ છે.
જણાવાયું છે કે આ દીકરીના પુનર્વાસ માટે તેણીને તમિલનાડુના હોસુરમાં પુનર્વસિત કરી શકાય તેમ હતી. સાથે જ આ દીકરી પિતાની સંપત્તિની વારસદાર પણ હતી. જો સંપત્તિને વેચવામાં આવે તો આ પુનર્વાસ શક્ય બને તેમ હતો. તેથી દીકરીની માતાને લીગલ ગાર્ડિયન બનાવવા માટે અરજી કરવામાં આવી હતી. આ દીકરીના પુનર્વસન માટે 1 લાખ 25 હજાર એટલે કે કુલ ત્રણ કરોડ રુપિયા ટ્રસ્ટમાં જમા કરાવવાની આવશ્યકતા હતી. દિવ્યાંગ દીકરીના માતા તરફથી વકીલે બોમ્બે હાઈ કોર્ટમાં આ મુદ્દો રજૂ કર્યો હતો, કારણ કે કોર્ટની મંજૂરી વિના આ પ્રક્રિયા કરવી શક્ય ન હતી.
વકીલે કોર્ટમાં જણાવ્યું કે માતાએ મોટા દીકરાના લીગલ ગાર્ડિયન સંદર્ભે એનઓસી રજૂ કર્યુ છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ રિયાજ ચાગલાએ કહ્યું કે માતાને પોતાના બે બાળકો દ્વારા મળેલી સંપત્તિ વેચવા માટે આ માન્યતા આપવામાં આવે છે, કારણ કે આ મહિલા બાળકોની કુદરતી માતા પણ છે. સ્થાયી દેખરેખ પણ સુનિશ્ચિત થાય તેવું કોર્ટે સ્પષ્ટ કહ્યું છે. આ સંદર્ભે વકીલ વિનોદ સાતપુતેએ કહ્યું કે બોમ્બે હાઈ કોર્ટનો પ્રશંસનીય ફેંસલો છે.
વકીલ સાતપુતેએ કહ્યું કે બે જોડિયા બાળકો છે તેમાંથી દીકરી દિવ્યાંગ છે. પિતાની સંપત્તિ બાળકોના નામે થતી હોય છે. લીગલ ગાર્ડિયનની મંજૂરી વિના માતા આ સમસ્યાનું નિરાકરણ લાવી શકે તેમ ન હતી. હાઈ કોર્ટના આ નિર્ણયથી દીકરીના પુનર્વસનમાં મદદ મળશે.