NDFB ઉપરાંત ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન (ABSU) અને યુનાઈટેડ બોડો પિપલ્સ ઓર્ગેનાઇઝેશન (UBPO) પણ સમજૂતિ કરારમાં જોડાયા છે. કરાર કર્યા બાદ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, બળવાખોરોને હવે કોઈ અસંતોષ રહ્યો નથી અને આસામની સરહદોને પણ અકબંધ રાખવામાં આવી છે. બોડોલેન્ડ ટેરિટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટ્સનું (BTAD) નવું નામ હવે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (BTC) કરવામાં આવ્યું છે. આ જિલ્લાની લગોલગ આવેલા 3 હજાર ગામોમાં હવે જનમત લેવા માટે પંચ નિમવામાં આવશે. લોકોની સહમતી સાથે તે ગામોને BTCમાં જોડવામાં આવશે. નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, રેલવે કોચ ફેક્ટરી, મેડિકલ કોલેજ અને કેન્સર હોસ્પિટલ આ વિસ્તારમાં આપવામાં આવશે. પહાડી વિસ્તારોમાં રહેતા બોડોને અનુસૂચિત જનજાતિમાં સમાવી લેવામાં આવશે, બોડો ભાષાના સંવર્ધન માટે કામ કરવામાં આવશે તેને આસામની સત્તાવાર ભાષામાં સમાવવામાં આવશે. કરારમાં આ મુદ્દાઓને પણ સમાવી લેવાયા છે.
બીજી બાજુ, ચાર જિલ્લાઓ તથા અન્ય જિલ્લાના ગામોને જોડીને ટેરિટોરિયલ કાઉન્સિલની રચના સામે વિરોધ પણ જાગ્યો છે. અલગ રાજ્યની માગણી હતી તે વિશે ABSU હાલ ચૂપ છે. આવી સ્થિતિમાં શાંતિ કરારનું પાલન ખરેખર થશે ખરું તે વિશે જાણકારોને શંકા જાગી છે. ઈશાન ભારતમાં CAA સામે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આ શાંતિ કરારને કારણે ભાજપ માટે આસામમાં થોડી રાહત મળી હતી. છેલ્લા 27 વર્ષોમાં બોડોલેન્ડના મુદ્દે ત્રણ વાર શાંતિ કરારો થયા છે. તેના પરથી જ ખ્યાલ આવે છે કે, આ ભૌગોલિક વિસ્તારમાં કેટલી ગૂંચ છે અને જૂથોની માગણીઓને કારણે કેવી સમસ્યા થઈ શકે છે.
1981માં રંજન દાઈમરીએ બોડો સિક્યુરિટી ફોર્સની રચના કરી હતી અને બાદમાં આદિવાસીઓ માટે અલગ રાજ્યની માગણી સાથે ABSU દ્વારા હુમલા થવા લાગ્યા તેના કારણે આસામમાં અશાંતિ ઊભી થઈ હતી. આદિવાસીઓનું રક્ષણ થાય અને બોડો વિસ્તારોમાં વિકાસ થાય તેવી માગણી સાથે શરૂ થયેલું આંદોલન આસામી ભાષાને સત્તાવાર જાહેર કરાઈ ત્યારે વિભાજનવાદી આંદોલન બન્યું હતું.
ફેબ્રુઆરી 1993, બોડોલેન્ડ ઓટોનોમસ કાઉન્સિલની રચના માટે ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યો હતો. તે કરાર થયો તેના થોડા વખતમાં જ NDFB તેમાંથી બહાર નીકળી ગયું હતું અને બીજી કોમને તગેડી મૂકવાનું આંદોલન શરૂ કર્યું હતું.
વર્ષ 2003માં બીજી વાર કરાર કરવામાં આવ્યો હતો, અને ચાર જિલ્લાને ભેગા કરીને BTCની સ્થાપના કરવામાં આવી હતી. ફરી એકવાર NDFB દ્વારા તે સમજૂતિ નકારી કાઢવામાં આવી અને ફરીથી હિંસા શરૂ થઈ ગઈ હતી. આ ત્રીજા કરારને કારણે શાંતિ સ્થાપનાની આશા જાગી છે ખરી, પણ ભૂતકાળની જેમ ફરીથી હિંસા શરૂ ના થાય તેની ચિંતા પણ રહે છે. આઝાદી વખતે ઈશાન ભારતમાં આસામ ઉપરાંત નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમના રજવાડાં હતાં. વર્ષ 1956થી 1972 સુધી મણીપુર અને ત્રિપુરા કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે રહ્યા હતા. સમગ્ર ઈશાન ભારતના વિકાસ માટે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. આ વિસ્તારમાં જુદા જુદા 238 વંશીય જૂથો હોવાથી હંમેશા સાંસ્કૃતિક સંઘર્ષ થતો રહેતો હતો.
દેશના બીજા ભાગ કરતાં ઓછા વિકાસના કારણે પણ સામાજિક અને રાજકીય અસંતોષ રહેતો હતો. આસામમાં આ કરાર સાથે હવે શાંતિ સ્થાપનાની આશા જાગી છે, પણ કરાર થયો તે પછી હવે નવેસરથી નાથ-યોગી સમુદાય તરફથી અનુસૂચિત જાતિ તરીકેની ઓળખની માગણી શરૂ થઈ છે. એ જ રીતે અન્ય એક સ્થાનિક આદિવાસી જૂથ ગારો દ્વારા પણ અલગ સ્વાયત્ત કાઉન્સિલની માગણી શરૂ કરવામાં આવી છે. બીજા ઘણા જૂથોને પણ બોડો બાબતમાં સરકારના વલણથી નારાજગી છે. આ બધા અસંતોષને પણ ઠારી દેવા માટે કેન્દ્ર સરકારે પ્રયાસો કરવા રહ્યા. નાના મોટા બધા અસંતોષનું નિરાકરણ આવશે ત્યારે જ સાચા અર્થમાં શાંતિ આવશે.