ન્યૂઝ ડેસ્ક: ભારતમાં કોવિડ-19ની કટોકટીનો સૌથી મોટો ફટકો નિઃશંકપણે પરપ્રાંતીય કામદારો ઉપર પડ્યો છે. સતત લાદવામાં આવેલા લોકડાઉનને કારણે ખરેખર કેટલા પરપ્રાંતીય કામદારોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે, તેના ચોક્કસ વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ નથી, છતાં પોતાને વતન પરત ફરવા માટે તેઓ જે સંઘર્ષ કરી રહ્યા છે, તે પરેશાન કરી મૂકે તેવો છે. શહેરી વિસ્તારોમાંથી પોતાને વતન પાછા ફરી રહેલા પરપ્રાંતીય કામદારોની મોટા પાયે અવરજવરને કારણે ભારતમાં છેલ્લાં કેટલાંક દાયકામાં તેમના પ્રત્યે રાખવામાં આવેલી સામાજિક-રાજકીય ઉદાસીનતા ઉઘાડી પડી ગઈ છે. પરપ્રાંતીય કામદારો તરફ સોશિયલ મીડિયામાં દર્શાવવામાં આવતી સૌહાર્દતા અને સરકારી તંત્ર દ્વારા તેમને પોતાના ઘરે પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો ચલાવવા બાબતે જે વાતો ચર્ચાઈ રહી છે, તેનાથી પરપ્રાંતીય કામદારો અનેક દાકાઓથી જે અનેક અસામાનતાઓ ઝેલી રહ્યા છે, તે નોંધપાત્ર રીતે પ્રકાશમાં આવી છે. પરપ્રાંતીય કામદારોની દુર્દશા માટે ગંભીરપણે જવાબદાર હોય તેવી ત્રણ મુખ્ય અસમાનતાઓ અહીં દર્શાવાઈ છે.
પરપ્રાંતીય કામદારો ભોગવી રહ્યા હોય તેવી સૌથી મોટી અસમાનતા છે, અળગાપણું અને ભૌતિક વૃત્તિનું નવું સ્વરૂપ. કારખાનાના માલિક અને કામદાર વચ્ચેનાં પરંપરાગત સંબંધથી વિપરિત, મુક્ત અર્થવ્યવસ્થા ધરાવતા બજારમાં પરપ્રાંતીય કામદારને કારખાનામાં મૂડી રોકનારા માલિકો સાથે ભાગ્યે જ કોઈ સંબંધ હોય છે. મજૂર ઠેકેદાર, કામદારોને મૂડી રોકનારા માલિકોથી અળગા રાખવામાં તેમજ તેમને પોતાના ઉપર આર્થિક અવલંબિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રોજનું રળીને રોજ ખાનારા કામદારો, જેમાં મોટા ભાગે પરપ્રાંતીય કામદારો હોય છે, તેઓ મજૂર ઠેકેદારોની કૃપા ઉપર ટકે છે અને તેમને પોતાના અધિકારો અને હકો તેમજ તેઓ જે ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે, તેના અંગે કોઈ માહિતી-જ્ઞાન હોતાં નથી, તેમજ તેઓ મોટા ભાગે નોંધણી પણ ધરાવતા નથી હોતા. નોંધાયેલા ન હોય તેવા કામદારોથી ઉદ્યોગો તેમજ મજૂર ઠેકેદારોને વધુ લાભ મળે છે, પરંતુ તેમાં માત્ર આવા કામદારનું પોતાનું જ હિત હોતું નથી. કામદારોને ઉદ્યોગોથી અલગ રાખવાની તેમજ વેપારની વચ્ચે મજૂર ઠેકેદાર સાથેની તેમની ઉપજની આ પ્રક્રિયા વિકાસ અને ઝડપી શહેરીકરણની આકાંક્ષા ધરાવતા ભારતની એક સામાન્ય લાક્ષણિકતા છે. આ અભૂતપૂર્વ લોકડાઉન લાદવામાં આવ્યો, તે દરમિયાન ઉદ્યોગો અને મજૂર ઠેકેદારો બંનેએ કામદારોને આર્થિક અનિશ્ચિતતામાં ધકેલીને પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ નાંખ્યા. કામદારો ઉપર લોકડાઉનની અસરોને ધ્યાન ઉપર નહીં લેવાની સરકારોની ઉદાસીનતા રાજકીય અસમાનતાનું પાસું છતું કરે છે.
પરપ્રાંતીય કામદારો જે રાજકીય અસમાનતા સાથે જીવી રહ્યા છે, તે બે પરિબળો દ્વારા જોઈ શકાય છે રાજકીય ચકચારનો અભાવ અને ચૂંટણીલક્ષી રાજકારણમાં નબળું પ્રતિનિધિત્વ. સ્થળાંતર કરીને આવેલા કામદારો તેમના વતનથી દૂર શહેરી વિસ્તારોમાં આવ્યા હોવાથી તેઓ રાજકીય રીતે નિર્બળ ગણાય છે, કેમકે તેમને પોતાનાં હિતો માટે લડવામાં કોઈ રુચિ નથી હોતી અથવા પોતાના લાભ માટે કોઈ રાજકીય સત્તા તેમની પાસે નથી હોતો. ખાસ કરીને દૈનિક વેતન મેળવતા કામદારો, જેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં અથવા તો શહેરની અંદર જ અનેક સ્થળોએ અવારનવાર ફરી રહ્યા હોય છે, તેમને રાજકી પક્ષો દ્વારા સંભવિત મતદાતાઓ તરીકે ધ્યાન ઉપર લેવાતા જ નથી. એકવાર રાજકીય પક્ષોને ખબર પડી જાય કે પરપ્રાંતિય કામદારો તેમની સંભવિત વોટ બેન્ક છે, તો ગમે એટલા અંતરિયાળ વિસ્તારોમાં જઈને પણ તેઓ તેમનો સંપર્ક કરશે, એવાં કેટલાંક પુરાવા પણ છે. ઉદાહરણ તરીકે, વર્ષ 2019ની વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીઓ પૂર્વે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક ડિસેમ્બર, 2018માં ઓડિશાથી મોટી સંખ્યામાં ગુજરાતમાં સુરત આવીને વસેલા પરપ્રાંતિય કામદારોની મુલાકાતે સુરતમાં આવ્યા હતા. મોટા ભાગના પરપ્રાંતીય કામદારો રાજકારણમાં ચૂંટણીનાં પરિણામો ઉપર ભાગ્યે જ કોઈ અસર પાડતા હોવાથી કોવિડ-19ની કટોકટી દરમિયાન તેમને ખાસ કોઈ મુશ્કેલી વિના નિરાધાર છોડી મૂકાયા હતા.
ઉપરાંત, કામદાર તરીકેની ઓળખને કારણે પણ પરપ્રાંતીય કામદારોની રાજકીય નબળાઈઓમાં વધારો કરે છે. પરપ્રાંતીય કામદારો (દુઃ)ભાગ્યવશ તેમના ધર્મ કે જાતને આધારે ઓળખાતા નથી. જો પરપ્રાંતીય કામદારોને તેમના ધર્મ કે જાત સાથે જરાયે જોડાણ હોત, તો રાજકીય પક્ષોનું વલણ તદ્દન જુદું જ હોત. વળી, પરપ્રાંતીય કામદારોની ઘટતી જતી ઓળખને ભારતીય રાજકારણમાં સામ્યવાદી પક્ષોના ઘટતા જતા પ્રભાવ તેમજ ટ્રેડ યુનિયનોની અત્યંત મર્યાદિત બનેલી ભૂમિકા સાથે પણ ઘણી નિસ્બત છે. આ કટોકટી વેળાએ, કામદારોના પ્રશ્નોને સરકાર સમક્ષ વાચા આપવા માટે કે પછી આ સ્થળાંતરિત મજૂરોને કોઈ નોંધપાત્ર મદદ પૂરી પાડવા માટે કોઈ સામ્યવાદી પક્ષોએ ખાસ કોઈ પ્રયાસો કર્યા હોય તેવું જોવા મળ્યું નથી.
ત્રીજી મહત્ત્વપૂર્ણ અસમાનતા એ છે કે, પરપ્રાંતીય કામદારો સામાજિક દરજ્જાની બાબતે ઘણું સહન કરતો હોવાથી તેમના તરફ ભારે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. અભ્યાસો દર્શાવે છે કે કૃષિ ક્ષેત્રમાંથી શહેરી વિસ્તારોમાં નોકરીઓ માટે મોટા પાયે સ્થળાંતર થયાં છે. કૃષિ ક્ષેત્રમાંથી સ્થળાંતરની આ પ્રક્રિયાને કારણે સ્થળાંતરિક કામદારોનો સામાજિક દરજ્જો નોંધપાત્ર રીતે નીચો ઉતરી ગયો છે. ખેતરમં મજૂરો તરીકે કામ કરી રહેલા આ કામદારો એક સમયે પોતાના વતનમાં ચોક્કસ સામાજિક દરજ્જો તેમજ મોભો ધરાવતા હતા, જે દુર્ભાગ્યવશ શહેરમાં, કે જ્યાં તેઓ પરપ્રાંતીય કામદારો તરીકે ઓળખાય છે, ત્યાં એ દરજ્જો ગુમાવી દે છે. આને કારણે તેમની સામાજિક મૂડી પણ નોંધપાત્ર રીતે ધોવાઈ જાય છે. આ સાધારણ જણાતી, પરંતુ અત્યંત મહત્ત્વની એવી ખેત મજૂરમાંથી પરપ્રાંતીય કામદાર તરીકે ઓળખની સંક્રાંતિ તેમના માટે અનેક રીતે સામાજિક ઉદાસીનતાનું કારણ બને છે. કોવિડ-19ની આ કટોકટી દરમિયાન પરપ્રાંતીય કામદારોનો સામાજિક દરજ્જો અને વ્યક્તિગત મોભો અગાઉ ક્યારેય ન થયો હોય તે રીતે ચકનાચૂર થયો છે.
મહામારી ફાટી નીકળવાને કારણે તેમજ અસાધારણ લોકડાઉન લાદવાને પગલે પરપ્રાંતીય કામદારો જે મુસીબતોનો સામનો કરી રહ્યા છે, તે વિશે વધુ વિગતો જોઈએ તો, તેમણે અચાનક રોજગાર ગુમાવ્યાં છે, જે સ્થળાંતરિત કામદારો દ્વારા વર્ષોથી ચૂપચાપ ઝેલવામાં આવી રહેલી સતત અસામાનતા અને ઉદાસીનતાઓનું પરિણામ છે. સરકારે સફાળા જાગીને લીધેલાં નિર્ણયો ફક્ત તેનું સ્થળાંતરિત કામદારો પ્રત્યેનું અસંવેદનસીલ વલણ જ ઉઘાડું પાડે છે. આ કામદારો પ્રત્યે માનસિકતા અને નીતિઓ બંનેમાં ધરમૂળથી તાત્કાલિક ફેરફારો કરવાની જરૂર છે. તેમની તરફ સૌહાર્દ દર્શાવીને માત્ર દયાભાવ દેખાડવાથી ફક્ત નાગરિકતાની રીતે સહાનુભૂતિ વ્યક્ત કરી શકાશે, પરંતુ પરપ્રાંતીય કામદારોને તેમના અધિકારો અને હક્કો સુનિશ્ચિત કરવા માટે સશક્ત બનાવવાથી જ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ટાળી શકાશે.
-ડૉ.અંશુમન બેહેરા, બેંગલુરુમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ (એનઆઈએએસ)માં એસોસીએટ પ્રોફેસર છે.