દહેરાદૂન : પતંજલિએ કોરોનાની સારવાર માટે કોરોનિલ દવા બનાવી લેવાનો દાવો કર્યો છે, પરંતુ બાબા રામદેવની આ દવા પર આયુષ મંત્રાલયે તલવાર લટકાવી દીધી છે. આયુષ મંત્રાલયે હાલમાં આ દવાની જાહેરાત પર રોક લગાવી દીધી છે અને પતંજલિ પાસેથી જાણકારી માગી છે. પતંજલિ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે, મંત્રાલયને જાણકારી આપી દેવામાં આવી છે.
કોરોનાની દવા કોરોનિલ બનાવવાનો દાવો કરનારી પતંજલિની મુશ્કેલી વધી શકે છે. રાજસ્થાન સરકારે બાબા રામદેવ પર કેસ નોંધાવવાની વાત કરી છે તો હવે ઉત્તરાખંડ સરકારે પણ પતંજલિને નોટિસ ફટકારવાની તૈયારી કરી છે. ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગ નોટિસ ફટકારી છે અને પૂછ્યું કે દવા લોન્ચ કરવાની મંજૂરી ક્યાંથી મળી?
ઉત્તરાખંડ આયુર્વેદના લાયસન્સિંગ ઓફિસરનું કહેવુ છે કે, પતંજલિએ કહ્યું હતું કે અમે ઇમ્યૂનિટી વધારવા, કફ અને તાવની દવા બનાવવાનું લાયસન્સ લઈ રહ્યાં છીએ. વિભાગ તરફથી પતંજલિને નોટિસ ફટકારવામાં આવી છે.
હરકસિંહ રાવતે જણાવ્યું હતું કે, આયુષ વિભાગ રાજ્યમાં જે ઔષોધિનું વિતરણ કરી રહ્યું છે, તે જ ઔષોધિઓ કોરોનિલ દવામાં પણ ઉપલબ્ધ છે. કોરોનિલના કેસમાં કેન્દ્ર સરકારે ઉત્તરાખંડ આયુષ મંત્રાલય પાસે જવાબ માંગ્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં બાબા રામદેવે કહ્યું હતું કે, દવા બનાવવા માટે માત્ર દેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં મુલેઠી સહિતની ઘણી ચીજોનો સમાવેશ થાય છે. તેમજ ગિલોય, અશ્વગંધા, તુલસી, શ્વસારીનો રસ પણ તેમાં વપરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ દવા ટિનોસ્પોરાઇડનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે બાબ રામદેવે દાવો કર્યો હતો કે, પતંજલિએ કોરોનાની દવા બનાવી લીધી છે. જેને ‘કોરોનિલ’ નામ આપવામાં આવ્યુ છે. બાબા રામદેવના પ્રમાણે, દવાને બે ટ્રાયલ કરવામાં આવ્યા છે. પ્રથમ ક્લિનિકલ કંટ્રોલ સ્ટડી અને બીજુ ક્લીનિકસ કંટ્રોલ ટ્રાયલ. ક્લિનિકલ કંટ્રોલ સ્ટડીના હેઠળ દેશના અલગ-અલગ શહેરોના 280 રોગીઓને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં 100 ટકા દર્દીઓની રિકવરી થઈ છે અને એક પણ મોતનો મામાલો સામે આવ્યો નથી. ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલમાં 3 દિવસની અંદર 69 ટકા રોગી રિકવર થઈ ગયા છે. એટલે કે, પોઝિટિવથી નેગેટિવ થઈ ગયા છે. 7 દિવસની અંદર 100 ટકા રોગી રિકવર થઈ ગયા છે.