નવી દિલ્હી : સરકારે કહ્યું છે કે, સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ઉપરાંત, અન્ય આરોગ્ય પ્રોટોકોલોનું પાલન કરવું પડશે, જેમ કે માસ્ક પહેરવા, હાથ ધોવા જેવી બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે, શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.
વંદે ભારત મિશન અંતર્ગત મર્યાદિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની મંજૂરી આપવામાં આવી છે. સરકાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અંગે પછી નિર્ણય લેશે. મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ પહેલાની જેમ બંધ રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન ચાલુ રહેશે. સરકાર દ્વારા જે પણ છૂટ આપવામાં આવી છે તે કન્ટેનમેન્ટ ઝોનની બહારની છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પ્રતિબંધો ચાલુ રહેશે.