નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન અને લોક જનતા પાર્ટી (LJP)ના પૂર્વ અધ્યક્ષ રામ વિલાસ પાસવાને દિલ્હી હિંસાને રાષ્ટ્રીય કલંક ગણાવી છે. તેમણે કહ્યું કે એકવાર કલંક લાગે છે, તેને દૂર થતાં લાંબો સમય લાગે છે. જે લોકોએ તોફાનોને ઉશ્કેર્યા છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઇએ, મને આશા છે કે, આ અંગે નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દિલ્હીમાં શાંતિ સ્થાપિત કરવા માટે તમામ શક્ય પગલાં લઈ રહી છે. ટૂંક સમયમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પોતે તોફાનોથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયા હતા અને લોકો સાથે ચર્ચા કરી હતી. PM મોદીના દૂત તરીકે તે લોકોની વચ્ચે ગયા હતા, જે પણ લોકો ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હિંસા પર કોઈ પણ પ્રકારનું રાજકારણ થવું જોઇએ નહીં.
હિંસામાં 42થી વધુ લોકોના મોત થયાં છે. મકાનો તેમજ દુકાનો બળીને ખાખ થઈ છે. કેટલાય લોકોની સંપત્તિને નુકસાન થયું છે, જયારે ધણા લોકોએ જીવ ગુમાવ્યો છે.
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, હિંસામાં ઉશ્કેરણી કરનારા વિરૂદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ. થોડા તત્ત્વો હોય છે, જે દેશ અને સમાજનું વાતાવરણ ખરાબ કરી નાખે છે. લોકોનો જીવ જોખમમાં નાખે છે. આવા લોકોને છોડવામાં આવશે નહીં, કેન્દ્ર સરકાર કોઈને પણ નહીં છોડે.
તેમણે કહ્યું કે, રમખાણ અસરગ્રસ્ત વિસ્તારમાં મુસ્લિમ હિન્દુઓની મદદ કરી રહ્યા છે અને હિન્દુ મુસ્લિમોની મદદ કરી રહ્યા છે. ભાઈચારો વધી રહ્યો છે. ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય થશે.