ન્યૂઝ ડેસ્કઃ ક્લિનિકલ ડિપ્રેશનને અન્ય કોઈપણ શારીરિક બિમારીની જેમ સરળતાથી સમજી શકાય તેમ નથી. જ્યાં સુધી આ બિમારીની ખબર ના પડે ત્યાં સુધી ઘણી વખત વ્યક્તિ કે જે ક્લિનિકલ ડિપ્રેશનમાં હોય છે, તેને દુઃખી માની લેવાની ભૂલ કરવામાં આવે છે. ક્લિનિકલ ડિપ્રેશન એક માનસિક બિમારી છે જે વાસ્તવિક છે. પરંતુ ભાગ્યે જ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે અને મોટે ભાગે તેને અવગણવામાં આવે છે. જે વ્યક્તિ ક્લિનિકલી ડિપ્રેશનવાળી હોય છે તે અન્યને સામાન્ય લાગે છે, પરંતુ તે વ્યક્તિ બિમાર છે અને તે સ્પષ્ટ નિરીક્ષણથી જ સમજી શકાય છે.
જે વ્યક્તિ આ બિમારીથી પીડિત હોય છે, તેને કોઈ પણ પ્રવૃત્તિમાં મન લાગતું નથી. તેઓ દિવસ દરમિયાન થાકેલા હોય છે, પરંતુ રાતે તેઓમાં ઉર્જા હોય છે. ભૂતકાળમાં તેમની સાથે જે થયું છે, તેઓ તેના વિચાર કર્યા કરે છે અને લઘુતાગ્રંથિનો અનુભવ કરે છે. ખૂબ જ બારીક નિરીક્ષણથી આ બિમારીની ખબર પડે છે. તેઓને એકલા રહેવું પસંદ છે અને આત્મહત્યા કરવાના વિચારો કરે છે.
મનોચિકિત્સક નિષ્ણાત ડૉ.રશ્મી વાધવાએ કહ્યું કે, ડિપ્રેશન ઘણાં પ્રકારના હોય છે અને તેનો ઈલાજ પણ છે
- મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર (MDD)
- પર્સિસટન્ટ ડિપ્રેસિવ ડિસોઓર્ડર
- બાયપોલાર ડિસઓર્ડર
- પોસ્ટ પાર્ટમ ડિસઓર્ડર
- પ્રી-મેન્સ્ટ્રયુઅલ ડિસઓર્ડર
- એટીપિકલ ડિસઓર્ડર
ડૉ.રશ્મીએ કહ્યું હતું કે, 'જ્યારે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ નથી હોતી ત્યારે અથવા વ્યક્તિની ઈચ્છાઓ પૂરી ના થઈ હોય ત્યારે વ્યક્તિમાં ઉદાસી અને ગમગીની જોવા મળે છે. આ વિચારોથી ઘેરાયેલો વ્યક્તિ જ્યારે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા સક્ષમ નથી હોતો અથવા અસફળ થાય છે, ત્યારે વ્યક્તિમાં ઉદાસી અને તણાવ જોવા મળે છે. જો ઈલાજ કરવામાં ના આવે તો લાંબાગાળે ક્લિનિકલ ડિપ્રેશનમાં જોવા મળે છે.'
ક્લિનિકલ ડિપ્રેશનને કઈ રીતે ઓળખશો
વ્યક્તિની વર્તણૂંક પહેલા સામાન્ય હોય અને તે તેના કામમાં એક્ટિવ હોય, પરંતુ અચાનક તેને કોઈ પણ વસ્તુમાં રુચિ રહેતી નથી અને મોટાભાગે તે ઉદાસ રહેતો હોય તો સમજી જવું કે આ ક્લિનિકલ ડિપ્રેશનનું પહેલું લક્ષણ છે. આપણે બધા ઘણીવાર ઉદાસ અને હતાશ થઈ જઈએ છીએ. પરંતુ તે જીવનમાં સામાન્ય બાબત છે. પરંતુ ક્લિનિકલ ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ મોટાભાગે ઉદાસ રહેતી હોય છે. સપ્તાહના મોટાભાગના દિવસ ઉદાસીમાં જ જતાં હોય છે.
ઈલાજ
- ક્લિનિકલ ડિપ્રેશનનો ઈલાજ ટૂંક સમયમાં મળતો નથી. તેના માટે કાઉન્સલિંગ અને દવા લેવી જરુરી છે. કાઉન્સલિંગ એક નિષ્ણાત જોડે લેવું અનિવાર્ય છે. આ બિમારીને નજરઅંદાજ ના કરી શકાય. ક્લિનિકલ ડિપ્રેશનથી પીડિતા દર્દીના લક્ષણો સમજીને તેનું નિદાન કરી શકાય છે.