ઉદ્ધવ ઠાકરેએ સવાલ ઉઠાવ્યો હતો કે, CAA કઈ વિચારધારા પર આધારિત છે ? જે હિંસાઓ થઈ રહી છે એનું શું ? આ કાયદો સાવરકરના વિચારોની વિરુદ્વ છે.
ઠાકરેએ સ્પષ્ટ કર્યુ હતું કે, સાવરકર મુદ્દે શિવસેનાના વલણમાં કોઈ બદલાવ નથી આવ્યો.
એક દિવસ પહેલા રાહુલ ગાંધીના સાવરકર અંગેના નિવેદનને શિવસેનાએ વખોડી કાઢ્યો હતો.
શિયાળુ સત્રની પૂર્વ સંધ્યાએ યોજાયેલી પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતું કે, નાગરિકતા સંશોધન કાયદો હકીકતમાં મહિલા સુરક્ષા, બેરોજગારી અને કૃષિ સંકટ જેવા મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે છે.
તેમણે ઉમેર્યુ હતું કે, ' સાવરકર સિંધુ નદીથી કન્યાકુમારી સુધીની જમીનને એક દેશમાં સમાવવા માગતા હતા. આવું કરવાના બદલે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સાવરકરની વિરુદ્વમાં જઈ અત્યાચારનો ભોગ બનેલા લઘુમતીઓનો ભારતમાં સમાવેશ કરી રહી છે જે તેમનું અપમાન છે.
મહારાષ્ટ્રમાં આ કાયદો લાગુ કરવા અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ હતું કે, તે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર નિર્ભર છે.