હાલ, પર્યાવરણને બચવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે અનેક ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે. ત્યારે રાજસ્થાનના કેશવપુરા ગામે પ્લાસ્ટિકના ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કરી સમગ્ર દેશને પર્યાવરણને જાળવવા માટેનો ઉદ્દેશાત્મક સંદેશ આપ્યો છે.
છેલ્લા કેટલાય સમયથી અનેક સામાજિક સંસ્થાઓ અને રાજનેતાઓ પર્યાવરણને બચાવવાની ફક્ત ભાષણબાજી કરી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનમાં આવેલાં આ નાનકડાં ગામે નો પ્લાસ્ટિક યૂઝનો નિર્ણય કરી લોકોને પ્રદૂષણ ન કરવાનો લોકસંદેશ આપ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, આ ગામમાં પ્લાસ્ટિકના કારણે ઘણા પશુઓના મોત થયા હતાં. જેથી ગ્રામજનોએ 11 જુલાઈ, 2019ના રોજ પ્લાસ્ટિક ભેગું કરી તેનો નાશ કર્યો હતો. સાથે જ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીએ પણ સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ બંધ કરવાનું આહ્વાન કર્યુ હતું. જેનો મુખ્ય ઉદ્દેશ દેશને પ્લાસ્ટિક મુક્ત કરવાનો હતો.