હાલમાં જ ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ અમેરિકામાં રહેલા 40 લાખ જેટલા ઈન્ડિયન અમેરિકન્સના યોગદાનને યાદ અપાવ્યું હતું. અખાતના દેશોમાં પણ વિદેશીઓમાં ભારતીય સૌથી વધુ પ્રોફેશનલ અને વિશ્વાસુ કર્મચારીઓ બની રહ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે ‘ઈન્ડિયા ઈકોનોમિક સ્ટ્રેટેજી ટુ 2035' અહેવાલ તૈયાર કર્યો છે તેમાં પણ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા ભારતીય સમુદાયને રાષ્ટ્રીય આર્થિક એસેટસમા ગણાવ્યા છે. તેમાં જણાવાયું છે કે “ઝડપથી વધી રહેલા આ સમુદાયની એન્ટ્રપ્રન્યોર આવડતને, ખાસ કરીને તેમની ઈન્નોવેશનની અને જોખમ લેવાની તૈયારીને, તથા ભારતીય બજારની તેમની જાણકારી ઓસ્ટ્રેલિયાના બિઝનેસ સેક્ટરને ખૂબ ઉપયોગી નીવડશે."
વિશ્વની અગ્રણી બહુરાષ્ટ્રીય કંપનીઓના સીઈઓ તરીકે ભારતીયો સ્થાન પામ્યા છે. જે દેશને ગૌરવ અપાવનારી વાત છે. તેમના કારણે ભારતમાં નવી ટેક્નોલોજી અને રોકાણ શક્ય બને છે. ભારતમાં આઈટીનો વિકાસ અને નાણાં બજારમાં રોકાણમાં આ સમુદાયનો ઘણો ફાળો રહેલો છે. એટલું જ નહીં, વિદેશમાં વસતા ભારતીયો વર્ષે 60 અબજ ડોલર જેટલું રેમિટન્સ મોકલે છે. તેના કારણે ભારતની વિદેશી હૂંડિયામણની અનામત મજબૂત બને છે. જોકે આવી સ્થિતિમાં પણ ખાસ કરીને અખાતના દેશોમાં ભારતના કામદાર વર્ગનું બહુ શોષણ થાય છે. મોટા ભાગે નિયમો અને કાયદાના અજ્ઞાનને કારણે આવું થાય છે. અનૈતિક એજન્ટો અને આપખુદ નોકરીદાતાને કારણે કામદારોનો ભોગ લેવાતો હોય છે. મજબૂરીને કારણે ફરિયાદ થઈ શકતી નથી તે અહીં પણ લાગુ પડે છે. ખાસ કરીને વિદેશ જવાનું સપનું જોનારા યુવાનો ગેરકાયદે ઈમિગ્રેશનના ચક્કરમાં ફસાઈ જાય છે.
અખાતના દેશોમાં વર્ક પરમીટ એટલે કે ઈકામા એકતરફી હોય છે અને તેનો કરાર કર્યા પછી તેમાંથી છટકવું મુશ્કેલ હોય છે. કામદારોના પાસપોર્ટ કફીલ્સ એટલે કે માલિકો પોતાની પાસે રાખી લે છે. જે ભારત સરકારના નિયમોની વિરુદ્ધ છે. આવા સંજોગોમાં વ્યક્તિએ આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ પોતાની સાથે રાખવા જોઈએ, જેથી મુશ્કેલીમાં હોય ત્યારે પોતાની ઓળખ સાબિત થઈ શકે. વચેટિયા અને એજન્ટો ઘણી વાર માહિતી છુપાવતા હોય છે અને મોટી મોટી વાતો કરતા હોય છે. કામદારોને રાજ્ય સરકારના કેન્દ્રો હોય ત્યાં ખરાઈ કરી લેવી જોઈએ અને બધા જ ટ્રાવેલ અને કોન્ટ્રેક્ટના ડોક્યુમેન્ટ્સની નકલો કરીને ઘરે રાખી દેવી જોઈએ. ભારતમાં સંબંધિત વિભાગો પાસેથી બીજી જાણકારી પણ મેળવી લેવી જોઈએ અને થોડા અરબી શબ્દો અને વાક્યો શીખી લેવા જોઈએ.
આ પ્રકારના ભારતીયોનું વિદેશમાં રક્ષણ થઈ શકે તે માટે તેમના પાસપોર્ટમાં “ઈમિગ્રેશન ક્લિયરન્સ રિક્વાયર્ડ” એવો સિક્કો મારવામાં આવે છે. વિદેશ મંત્રાલયમાં રહેલા ઈમિગ્રન્ટ્સની સુરક્ષા માટેના વિભાગ દ્વારા ઈમિગ્રેશન માટેની મંજૂરી અપાતી હોય છે. બ્યૂરો ઓફ ઈમિગ્રેશન સાથે મળીને વિદેશમાં મજૂરી માટે જનારા લોકોની યાદી “e-Migrate’ સિસ્ટમ દ્વારા સાચવવામાં આવે છે. આ કામદારોને વિદેશી કંપનીઓ નોકરીએ રાખે તેમનું રજિસ્ટ્રેશન પણ આ સિસ્ટમમાં કરવામાં આવે છે. ભારતીય રાજદૂત કચેરીઓમાં ભારતીય સમુદાય કલ્યાણ ફંડ રાખવામાં આવે છે. જેથી ફસાઈ ગયેલા ભારતીયોને મદદ થઈ શકે અને તેમને વચગાળાની રાહત આપી શકાય. સાથે જ નોકરી આપનારી કંપનીઓ તથા સ્થાનિક સત્તાધીશો સાથે સંપર્ક માટે પણ આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે.
એવા ઘણા કિસ્સા બનેલા છે, જેમાં ઘરકામ કે નર્સિંગ માટે રાખવામાં આવેલી ભારતીય સ્ત્રી કર્ચમારીઓ સાથે દુર્વ્યવહાર થયો હોય. તેમના માટે ભારતીય રાજદૂત કચેરીમાં આશ્રય સ્થાન ખોલવામાં આવ્યા છે અને તેમને સુરક્ષા આપવામાં આવે છે. વિદેશમાં નોકરી કરવા જનારા માટે વીમાની પણ વ્યવસ્થા છે, જેથી અચાનક તેમણે પરત આવવું પડે કે કામનો કરાર રદ થાય તો તેમને મદદ મળી શકે. સ્ત્રી કર્મચારીઓને ધ્યાનમાં રાખીને તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ અને લઘુતમ વેતનની ખાતરી આપવી જોઈએ તેવા નિયમો પણ રાખવામાં આવ્યા છે. વિદેશ જનારાને માર્ગદર્શન માટેની પણ વ્યવસ્થા છે, આમ છતાં ઘણા અણધાર્યા બનાવો બનતા રહે છે.
આ સમસ્યાને નિવારવા માટે ભારત સરકારે વિદેશમાં રહેતા ભારતીયો સાથે સારા વ્યવહાર માટેના કરારો સરકારો સાથે કર્યા છે. સાથે જ રાજદૂત કચેરીઓમાં નિયમિત મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા થતી રહે છે અને અત્યાચારના કિસ્સા ધ્યાને આવે ત્યારે તરત જ તાત્કાલિક મદદ માટે પ્રયાસો થતા હોય છે. ઘણી વાર ઓપન હાઉસ કાર્યક્રમ પણ કરવામાં આવે છે, જેથી કોઈ પણ ત્યાં આવીને પોતાને નડતી સમસ્યાની ફરિયાદ કરી શકે. આ ઉપરાંત 24 કલાક ઈમરજન્સી મદદ માટે સંપર્ક કરવાની વ્યવસ્થા પણ હોય છે. પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ભારતીય રાજદૂત કચેરીઓને વિદેશમાં રહેલા ભારતના ઘર તરીકે ઓળખાવતા હતા. તેઓ અંગત રસ લઈને વિદેશમાં ફસાયેલા લોકોને મદદરૂપ થતા હતા. હાલના વિદેશ પ્રધાન પણ તે પરંપરાને આગળ વધારી રહ્યા છે. વડા પ્રધાન મોદી પણ વિદેશમાં વસતા ભારતીયોનો કલ્યાણ માટે ખાસ ધ્યાન આપે છે અને વિદેશ પ્રવાસે હોય ત્યારે તેમની સાથે કાર્યક્રમો કરે છે.
વિશ્વભરમાં ફેલાઈ ગયેલા ભારતીય સમુદાયના પ્રદાનના સ્વીકાર માટે અને સેતુ સ્થાપિત કરવા માટે દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમાં વિશેષ એવોર્ડથી એનઆરઆઈ અને પીઆઈઓને સન્માનિત કરવામાં આવે છે. ઘણી રાજ્ય સરકારોએ પણ પોતાની રીતે એનઆરઆઈ માટે કેન્દ્રો ખોલ્યા છે. વિદેશમાં વસતા ભારતીયો માટે એક જ સંદેશ છે કે, તમારા માટે ભારતીય રાજદૂત કચેરી સંપર્કનો સેતુ છે અને કોઈ પણ મુશ્કેલી માટે તેમનો સંપર્ક કરવા માટે અચકાશો નહીં. કોઈ આપત્તિ આવે ત્યારે માત્ર પોતાના નાગરિકોને જ નહિ, અન્ય દેશના લોકોને પણ બહાર લાવવાના કામમાં ભારત અગ્રેસર રહ્યું છે. કોરોના વાયરસના કારણે હાલમાં જ ચીનમાંથી ભારતીયોને લાવવા માટે વિમાનો મોકલાયા ત્યારે બીજા પડોશી દેશના નાગરિકોને પણ સાથે લાવવામાં આવ્યા હતા.
ભૂતકાળમાં યમન, લિબિયા, લેબેનાન, સિરિયા કે ઈરાનમાંથી ભારતીયોને આ રીતે જ સલામત પરત લવાયા હતા. વિદેશ જતા પહેલા ભારતીયોએ ચકાસણી કરી લેવી જોઈએ કે ત્યાં જવા માટે કોઈ પ્રતિબંધ લાગુ પડ્યા છે કે કેમ. આવી સલાહ પ્રમાણે તંગદિલીગ્રસ્ત દેશોમાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.
- અનિલ ત્રિગુણાયત, ભૂતપૂર્વ રાજદ્વારી