તેલંગાણા: રાજ્ય સરકારે રવિવારે રાજ્યમાં ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વિગી અને ઝોમેટોને તેમની કામગીરી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેલંગાણા મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન સોમવારથી ઝોમેટા અને સ્વિગીને કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રાજ્યમાં 7 મે સુધી લોકડાઉન વધારવાની ઘોષણા કરતી વખતે ચંદ્રશેખર રાવે આ જાહેરાત કરી હતી.
રાવે જણાવ્યું કે, સરકારે આ નિર્ણય દિલ્હીની એક ઘટનાને ધ્યાનમાં રાખીને લીધો છે. જ્યાં ડિલિવરી બોય દ્વારા પિઝાની ડિલવરી બાદ 72 વ્યક્તિઓને કોરોનાની અસર થઈ હતી. જેમનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મુખ્યપ્રધાને જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન લોકોએ બહારથી ખોરાક મગાવવાને બદલે ઘરે તાજા ખોરાક રાંધવા જોઈએ. સ્વિગી અને ઝોમાટોને બંધ કરવાના આદેશથી સરકાર ખુશ નથી કારણ કે, તેને કર દ્વારા આવક મળે છે, પરંતુ આ આવક કરતા જાહેર આરોગ્ય વધુ મહત્વનું છે.
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સને અત્યાર સુધી કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કારણ કે, તે કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ આવશ્યક સેવાઓની સૂચિમાં શામેલ છે.