ભુવનેશ્વર/કોલકાતા: અમ્ફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે ત્રાટક્યું છે, ત્યારે વર્ષો પછી સૌથી ઝડપી તોફાની પવન ફૂંકાયો છે. હાલ વાવાઝોડું પશ્ચિમ બંગાળના દરિયા તટ પર ટકરાયું છે. જેના પવની ઝડપ 110 કિમી જણાવવામાં આવી રહી છે.
આ વાવાઝોડા અંગે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના ડાયરેક્ટર જનરલ એસએન પ્રધાનના જણાવ્યા મુજબ, વાવાઝોડા પહેલા પશ્ચિમ બંગાળમાં પાંચ લાખથી વધારે અને ઓડિશામાં 1.50 લાખથી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. નેવીએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 20 બોટ સાથે રેસ્ક્યુ અને મેડિકલ ટીમો તૈયાર રાખી છે.
NDRFના વડા જનરલ એસએન પ્રધાને જણાવ્યું કે, આગામી 24 કલાક બંને રાજ્ય માટે મહત્વના છે. સ્થાનિક પ્રશાસનની મદદથી રાહતનું કામ ચાલું છે. જો કે, લોકોને દરિયાઈ વિસ્તાર તરફ ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.
ઇન્ડિયન નેવીએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 20 બોટ સાથે રેસ્ક્યુ અને મેડીકલ ટીમો તૈયાર રાખી છે. પશ્ચિમ બંગાળમાં પાંચ લાખથી વધારે અને ઓરિસ્સામાં 1.50 લાખથી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ઓડિશાના ભદ્રક સહિત ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.
હાલ એનડીઆરએફની 24 ટીમો અને નેવીના બે એરક્રાફ્ટને સ્ટેન્ડબાય રખાયા છે. બાંગ્લાદેશમાં 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે. ઓડિશામાં 100 વધારે વૃક્ષો ધરાશાયી થયા છે. બેના મોત થયા છે, રાજ્યના દરિયાઈ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ટેલિકોમના માળખામાં ભારે નુકસાનના અહેવાલો મળી રહ્યાં છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ભૂવનેશ્વર-નવી દિલ્હી સ્પેશિયલ એસી ટ્રેનના રૂટને ડાયવર્ટ કરાયો છે.