નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસની CBI તપાસની માંગ કરતી પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને આ સંદર્ભે બોમ્બે હાઈકોર્ટમાં જવા કહ્યું છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ પછી રિયાએ આ મામલો બિહારથી ટ્રાન્સફર કરવાની માગ કરી છે.
આ ઉપરાંત ભાજપ રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની 'હત્યા' થઈ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સ્વામીએ તેમના દાવાને ટેકો આપવા માટે ટ્વિટર પર એક દસ્તાવેજ પોસ્ટ કર્યો છે. સ્વામીએ 26 મુદ્દાના દસ્તાવેજનું ટ્વીટ કરીને લખ્યું, 'મને લાગે છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી.'
દસ્તાવેજ મુજબ સુશાંતના ગળા પરના નિશાન આત્મહત્યા નહીં પરંતુ હત્યાના સંકેત આપે છે. દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફાંસી દ્વારા આત્મહત્યા કરવા માટે, વ્યક્તિએ તેના પગ નીચેનું ટેબલ હટાવીને પોતાની જાતને લટકાવવું પડે છે. દસ્તાવેજમાં આગળ જણાવાયું છે કે, તેના શરીર પરનાં નિશાનો માર મારવાનો આવ્યો હોવાનું સૂચવે છે.