નવી દિલ્હી: પોલિટિકલ કોમેંટેટર અને નીતિ વિશ્લેષક સંજય બારૂ પાસેથી ઓનલાઇન દારૂની ડિલીવરીના બહાને રુપિયા 24000ની છેતરપિંટી કરનાર 3૧ વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી છે.
નોંધનીય છે કે બારુ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહી ચૂક્યા છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, આરોપીનું નામ આકિબ જાવેદ છે અને તે રાજસ્થાનના ભરતપુર જિલ્લાના કમાન શહેરનો રહેવાસી છે. પોલીસે વધુમાં કહ્યું કે આરોપીની શનિવારે તેના વતનથી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે જાવેદ ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરે છે પરંતુ સરળતાથી પૈસા કમાવવાના ઇરાદે સાયબર ક્રાઇમના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તેણે જણાવ્યું કે તેના ફરાર સાથીઓને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ તેમના સાથીદારો સાથે મળીને કોરોના વાઇરસના કારણે લાગુ થયેલા લોકડાઉનમાં 100 જેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. પોલીસે જણાવ્યું હતું કે પોલીસને 2 જૂને આ ઘટના વિશે જાણ થઈ જ્યારે બારુએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બારુએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ઓનલાઇન દારૂ ખરીદવા માટે દુકાન શોધી રહ્યા હતા, ત્યારે તેમને લા કેવ વાઇન્સ એન્ડ સ્પ્રિટની દુકાન મળી હતી. જ્યારે તેઓએ સંપર્ક કર્યો ત્યારે પહેલા ઓનલાઇન ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું હતું. બારુએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેમણે 24 હજાર રૂપિયા ચુકવી દિધા ત્યારે તે વ્યક્તિએ તેનો ફોન બંધ કરી દીધો હતો.