મળતી માહિતી મુજબ, પંજાબ કેડરના IPS અધિકારી સામંત ગોયલે જ બાલાકોટમાં થયેલા એરસ્ટ્રાઇકની સંપૂર્ણ યોજના બનાવી હતી. નવા રૉ ચીફ સામંત ગોયલ, હાલના ચીફ અનિલ કુમાર ધસ્માનાની જગ્યા લેશે, તેઓ 2.5 વર્ષ અદ્ભૂત કાર્યકાળ બાદ રિટાયર થઇ રહ્યા છે. 1990 દરમિયાન જ્યારે પંજાબ ઉગ્રવાદમાં ઘેરાયેલું હતું, ત્યારે સામંત ગોયલે ખૂબ સરાહનીય કામ કરી ઉગ્રવાદ વિરુદ્ધ ઘણા અભિયાન ચલાવ્યા હતા.
આ સિવાય ઇન્ટેલિજન્સ બ્યૂરોના નવા ડાયરેક્ટર અરવિંદ કુમારને કાશ્મીરની બાબતોના વિશેષજ્ઞ માનવામાં આવે છે. હાલમાં આ વિભાગમાં અરવિંદ કુમાર કાશ્મીરના વિશેષ સચિવ છે. સામંત ગોયલની જેમ અરવિંદ કુમાર પણ 1984ની બેચના અસમ-મેઘાલય કેડરના IPS અધિકારી છે.
જૈશ-એ-મહોમ્મદના ઠેકાણા પર કરવામાં આવી હતી એરસ્ટ્રાઇક
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરી હતી. પુલવામામાં આતંકી હુમલામાં CRPFના 40 કરતા વધારે જવાનો શહીદ થયા હતા. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી હતી. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીમાં 250 કરતા પણ વધારે આતંકી માર્યા ગયા હતા. આ ઘટનાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા માહોલ પણ જોવા મળ્યા હતા.