જયપુર: રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજસ્થાન હાઈકોર્ટે બસપાના છ ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. આ નોટિસ કોંગ્રેસમાં આ ધારાસભ્યોના વિલીનીકરણની છે. બસપાના 6 ધારાસભ્યો ઉપરાંત રાજસ્થાન હાઇકોર્ટે રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ, વિધાનસભા સચિવને પણ નોટિસ પાઠવી છે. આ નોટિસ બહુજન સમાજ પાર્ટીની અરજી પર જાહેર કરવામાં આવી છે.
બહુજન સમાજ પાર્ટીએ બુધવારે રાજસ્થાન હાઈકોર્ટમાં શાસક કોંગ્રેસ સાથે પક્ષના છ ધારાસભ્યોના જોડાણને પડકારતી એક રિટ અરજી કરી છે. સંદીપ યાદવ, વાજીબ અલી, દીપચંદ ખેરિયા, લાખન મીણા, જોગેન્દ્ર અવાના અને રાજેન્દ્ર ગુઢાએ 2018 ની વિધાનસભાની ચૂંટણીમાં બસપાની ટિકિટ મેળવીને જીત મેળવી હતી.
આ દરેક સપ્ટેમ્બર 2019માં બસપા છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. બસપાના પ્રદેશ અધ્યક્ષ ભગવાનસિંહ બાબાએ કહ્યું હતું કે, "બસપાના ધારાસભ્યોના કોંગ્રેસમાં જોડાણ વિરુદ્ધ અમે આજે હાઇકોર્ટમાં રીટ અરજી કરી છે." રાજ્યની અશોક ગેહલોત સરકારને આ ધરાસભ્યોના જોડાણથી કોંગ્રેસમાં મજબૂતી આવી હતી અને 200 સદસ્યોની વિધાનસભામાં કોંગ્રેસના સભ્યો વધીને 107 થઈ ગયા હતા.
આ પહેલા રવિવારે બહુજન સમાજ પાર્ટી (બસપા) એ વિધાનસભામાં શક્તિપરીક્ષણ દરમિયાન શાસક પક્ષ (કોંગ્રેસ) વિરુદ્ધ મત આપવા પક્ષ છોડનારા છ ધારાસભ્યોને વ્હીપ આપ્યો હતો.