નવી દિલ્હી: રેલવે પ્રવાસી રેલવે સ્ટેશન પર બનાવેલા ટિકિટ કાઉન્ટરો પર શુક્રવારથી ટિકિટ બુક કરાવી શકાશે. ગુરૂવારે રેલવે બોર્ડે આ બાબતે મંજૂરી આપી દીધી છે. રેલવે ટિકિટ કાઉન્ટરો ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર, પ્રવાસી ટિકિટ ફેસિલિટી સેન્ટર અને અધિકૃત રેલવે એજન્ટો પાસેથી પણ ટિકિટ બુક કરાવી શકાશે.
ઉત્તર રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેલવે બોર્ડના આદેશો બાદ ચીફ કમર્શિયલ મેનેજરની ઓફિસથી આ અંગે આયોજન કરવામાં આવ્યું હતું. જરૂરિયાત મુજબ તમામ સ્ટેશનો પર રિઝર્વેશન કાઉન્ટરો ખોલવામાં આવશે.
કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને સામાજિક અંતર(સોશિયલ ડિસ્ટન્સિંગ) જેવા ધોરણોનું પાલન કરવામાં આવશે. નવી દિલ્હી સ્ટેશન પર ટ્રેનોની સંખ્યાના આધારે ધોરણોમાં ફેરફેાર કરાય તેવી શક્યાતા છે.
આ અગાઉ રેલવે બોર્ડના ડિરેક્ટરોએ તમામ વ્યાપારી સંચાલકોને દેશભરના તમામ સ્ટેશનો પર ટિકિટ કાઉન્ટરો ખોલવા અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. સ્થાનિક પરિબળ અને જરૂરિયાત મુજબ રેલવે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટરની સંખ્યા નક્કી કરવાની જવાબદારી સોપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ ટિકિટ બુકિંગની સુવિધા આપીને રેલવે દ્વારા પ્રવાસીને સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના ઘડવામાં આવી રહી છે.