હૈદરાબાદઃ ચીનના સંશોધનકારો મુજબ શ્વાસની સમસ્યાઓ પેદા કરતો કોરોના વાઇરસ ‘ગુલાબી આંખ’ અથવા આંખનો ચેપી રોગ કન્જક્ટિવાઇટિસ પણ પેદા કરી શકે છે. પરંતુ આ અભ્યાસોમાંથી બહાર આવેલું સૌથી રસપ્રદ તારણ તે છે કે, વાઇરસ નાક અને આંખ એમ બંનેના પ્રવાહીમાં હાજર હતું. તેનો અર્થ તે થયો કે ગુલાબી આંખ એ આ ઘાતક બીમારીનું દુર્લભ લક્ષણ હોઇ શકે છે.
આ તારણ અત્યંત મહત્વનું છે કારણકે અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં એવું માનવામાં આવે છે કે કોવિડ-19ના દર્દીઓમાંથી અન્ય લોકોને ચેપ લાગવા માટે માત્ર નાકનું પ્રવાહી જ શંકાસ્પદ વાહક છે. પરંતુ હવે સુનિશ્ચિત કરાઇ રહ્યું છે કે જો કોઇ વ્યક્તિ તેની ચેપી આંખો ચોળે અને તેનો હાથ બીજા કોઇને અડકાવે તો પણ આ વાયરસ ફેલાઇ શકે છે.
ચાઇના થ્રી ગોર્જિસ યુનિવર્સિટીના ઓપ્થેલ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડૉ. લિઆંગના મત મુજબ, ન્યૂમોનિયા ધરાવતા કોવિડ-19ના કેટલાક દર્દીઓમાં ગુલાબી આંખની સમસ્યા પણ જોવા મળી છે.
કોવિડ-19ના દર્દીઓના સારવાર કરતા અને તેમના સીધા સંપર્કમાં આવતા તબીબી કર્મચારીઓએ હવે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (PPEs) N95 માસ્કની સાથે સાથે પ્રોટેક્ટિવ ગ્લાસ પણ પહેરવાની જરૂર પડશે.
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વમાં 10,98,762 લોકોને સંક્રમિત કર્યા છે અને 59,172થી વધુ લોકોનો ભોગ લીધો છે. અત્યાર સુધીમાં 2,28,923થી વધુ લોકો સાજા થયા છે જેમાં મોટા ભાગના લોકો ચીનના હતા.
સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે 60,000થી વધુ લોકોના મોત અને અમેરિકામાં રોગચાળાના નવા દોરે કોરોના વાયરસની આગેકૂચ રોકવા માટે આકરા લૉક ડાઉનના પગલાં લેવામાં આવ્યા છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા ઇટાલી અને સ્પેનમાંથી આશાનું કિરણ પેદા થઇ રહ્યું છે તેમ છતાં આકરા પગલાંઓને કારણે વિશ્વની 40 ટકા વસતી તેમના ઘરોમાં પુરાયેલી છે.
નવો કોરોના વાયરસ મોટા ભાગના લોકોમાં હળવાથી મધ્યમ લક્ષણો પેદા કરે છે. કેટલાક લોકોમાં, ખાસ કરીને ઉંમરલાયક લોકો અને પહેલેથી બીમારીઓથી પીડાતા લોકોમાં તે વધુ ગંભીર બીમારી પેદા કરી શકે છે અથવા મોત પણ થઇ શકે છે.
3,000થી વધુ આરોગ્ય સંભાળ કર્મચારીઓ કોવિડ-19થી સંક્રમિત થયા છે અને સરકાર કહે છે તેમાંથી 14 કર્મચારીઓ આ બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે. આમાં ડૉક્ટર લિ વેનલિયાંગનો પણ સમાવેશ થાય છે જેમને કોરોના વાયરસનો રોગચાળો ફેલાવવાના સમાચાર જાહેર કરવા બદલ પોલીસે સજા કરવાની ધમકી આપી હતી જોકે હવે તેમનું નામ રાષ્ટ્રીય “શહીદો”ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.