નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની કચેરીએ ઉત્તર પ્રદેશના સ્થળાંતર કામદારોને તેમના વતન નગરોમાં લઈ જવા માટે રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાંથી 500 બસોની વ્યવસ્થા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર, આ બસો સોમવારે સવાર સુધીમાં યુપી રાજ્ય સરહદ પહોંચશે.
તેઓએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીના નિર્દેશો પર બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખીને, પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે સલામત રીતે લઈ જવા માટે 1000 બસો ચલાવવાની પરવાનગી માંગી છે.
આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ગાઝીપુર અને નોઇડા બોર્ડરથી બસોની મુસાફરીનો સંપૂર્ણ ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે. પ્રિયંકા ગાંધીએ રાજ્યના એકમોને સ્થળાંતર કરનારાઓની સહાય માટે જરૂરી પગલાં લેવા પણ જણાવ્યું છે.
અગાઉ યુપી કોંગ્રેસે ઉત્તરપ્રદેશના કેટલાંક જિલ્લામાં હાઇવે ટાસ્ક ફોર્સ અને રસોડાઓ ગોઠવી આપ્યા હતા. યુપી કોંગ્રેસને રાજ્યભરમાં 40 પોઇન્ટ સ્થાપવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેથી તેઓ સ્થળાંતર કામદારોને દવાઓ અને ફૂડ પેકેટથી મદદ મળી શકશે.