જ્યાં સુધી સૌ સલામત નહીં બને ત્યાં સુધી કોઇ સલામત નથી એવી દીર્ઘદૃષ્ટિનો જેનામાં અભાવ છે એવા કેટલાંક દેશોના સ્વકેન્દ્રિત અને એકતરફી વલણની સામે વિશ્વ આરોગ્ય સંગઠનને વાંધો છે. જેને કોવિડનું જન્મસ્થાન ગણવામાં આવે છે તે ચીનમાં આ મહામારીના કારણે ફક્ત 4650 લોકોનાં જ મૃત્યુ થયાં છે જ્યારે સુપરપાવર ગણાતુ અમેરિકા 2 લાખ લોકોના મૃત્યુઆંક સાથે હજુ પણ પિડા ભોગવી રહ્યું છે અને ભારત પણ અમેરિકાના માર્ગે જ આગળ વધી રહ્યું છે કેમ કે ભારતમાં પણ એક અઠવાડિયામાં મૃત્યુઆંક 1 લાખ ઉપર પહોંચી ગયો હતો.
અલબત્ત કોરોના વાઇરસના સંક્રમણમાંથી સાજાં થનારા લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને મૃત્યુદર પણ નીચો આવી રહ્યો છે તે ખરેખર સારી બાબત છે, તેમ છતાં દરરોજ નવા કેસોની સંખ્યામાં નોંધાતો વધારો એક મોટો પડકાર છે. આ ઘાતક મહામારીનો ભોગ બનેલા દર્દીને તમામ પ્રકારની મેડિકલ સેવા પૂરી પાડવાની સરકારની ફરજ છે, એવા સમયે સમજદાર લોકો દ્વારા રાખવામાં આવતી સાવચેતી અને તેઓ દ્વારા સેવાતી કાળજી એકમાત્ર એવુ સાધન છે જે કોરોનાના સંક્રમણને ટાળી શકે.
દેશની 90 ટકા વસ્તી હવે સમજી ગઇ છે કે માસ્ક પહેરવું અનિવાર્ય છે, પરંતુ આ બાબતને ગંભીરતાથી લેનારા લોકોની સંખ્યા ફક્ત 44 ટકા છે જે ખરેખર નિરાશા ઉપજાવે તેવી છે. માસ્ક પહેરવાથી ગભરામણ થાય છે અને બીજું કે મેં શારીરિક અંતર જાળવ્યું હોવાથી માસ્ક પહેરવું જરૂરી નથી એવા જે તદ્દન ક્ષુલ્લક બહાન બતાવનારા લોકો જ કોરોના મહામારીને નિમંત્રણ આપે છે એટલું જ નહીં પરંતુ તેઓ જ અન્ય લોકોના આરોગ્ય સામે ખિલવાડ કરે છે.
આજે સમગ્ર માનવજાતને જે પ્રશ્ન સતત ડરાવી રહ્યો છે તે એ છે કે, ક્યારે કોવિડ ઉપર કાબુ મેળવી શકાશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં રસીનું ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ ભારત વિશ્વના તમામ દેશો માટે રસીનું ઉત્પાદન કરવાની અને તેઓ સુધી આ રસી અને દવાઓ પહોંચાડવાનીં સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે, તે સાથે તેમણે સંબંધિત દેશોને તેમની ભૂમિ ઉપર કોલ્ડ સ્ટોરેજની ક્ષમતામાં વધારો કરવાના કામમાં ટેકો પણ આપવાની ખાતરી આપી હતી.
સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે જો દેશના પ્રત્યેક નાગરિકને કોરોનાની રસી આપવી હશે તો કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયને આગામી વર્ષમાં રૂ. 80,000 કરોડની જરૂર પડશે. શું સરકાર આ તોતિંગ રકમ સાથે તૈયાર છે ખરી? એમ તેમણે વેધક પ્રશ્ન કર્યો હતો. ભારત બાયોટેક, કેડિલા ઝાયડસ અને સિરમ ઇન્સ્ટિટ્યૂટચ દ્વારા વિકસાવાઇ રહેલી રસી હાલ માનવીય પરીક્ષણના તબક્કામાં છે. કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ ઘરઆંગણે 130 કરોડ કરોડ લોકોની હેલ્થ-કેર માટે કોઇ વૈજ્ઞાનિક અને સંકલિત વ્યૂહરચના ઘડી કાઢવી પડશે.
સમાચારોના અહેવાલો મુજબ કેન્દ્ર સરકાર દેશમાં 1978થી અમલમાં આવેલા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનો ઉપયોગ કરીને દેના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર રસી પહોંચાડવાની યોજના ઉપર વિચારણા કરી રહી છે. ઘરઆંગણાની અને ફાર્માસ્યૂટિકલના ક્ષેત્રમાં મહાકાય ગણાતી કંપનીઓને ભારે આત્મવિશ્વા છે કે સમયની સાથે સ્પર્ધા કરીને આ જીવન રક્ષક રસીનું ઉત્પાદન કરીને આપણે વૈશ્વિક જરૂરિયાતોને પણ પહોંચી વળી શકશું. અલબત્ત અત્યાર સુધીના સંશોધનોમાં ક્યાંય એવી પુષ્ટિ થઇ નથી કે કઇ રસી સલામતીના તમામ ધારા-ધોરણ ઉપર ખરી ઉતરશે અને કઇ રસી કોરોના સામે ધરખમ ઇમ્યુનિટિ પેદા કરી શકશે, તેમ છતાં અમેરિકા, બ્રિટન, યુરોપ અને જાપાને તો રસીનું ઉત્પાદન થાય તે પહેલાં જ 130 કરોડ ડોઝ માટે અત્યારથી જ કરાર કરી લીધા છે.
ભૂતકાળમાં જેમ થયું હતું તે ઘનાઢ્ય રાષ્ટ્રો બધી રસી હડપ ન કરી જાય તે બાબત સુનિશ્ચિત કરવા વિશ્વ આરોગ્ય સંગઠને રસીનું ઉત્પાદન કરતા દેશોના જૂથ સાથે એક ટીમ બનાવી છે, અને ગરીબ તથા મધ્યમ આવક ધરાવતા દેશોને 200 કરોડ ડોઝ રસી પહોચાડવામાં આવે તે માટે એક યોજના બનાવી છે. જ્યાં સુધી યોગ્ય રસી ન શોધાય ત્યાં સુધી “એક માટે તમામ અને તમામ માટે એક“ ના મુદ્રાલેખ સાથે સાવચેતીના તમામ પગલાં લેવા અતિ આવશ્યક છે.