નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ શનિવારે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે લોકડાઉન આગળ વધારવા અંગે અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ચર્ચા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવી હતી. ચર્ચામાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો દ્વારા 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાની માગ કરવામાં આવી હતી.
બુધવારે તમામ પક્ષના પ્રતિનિધિઓની સાથે બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે, તે સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનમાં વધારો કરવો કે, નહીં તે અંગે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેશે.
આ અગાઉ વડાપ્રધાન મોદીએ કોરોના વાઇરસ પર 2 એપ્રિલના રોજ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરી હતી. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, લોકડાઉન પૂર્ણ થયા બાદ લોકોના ઘરની બહાર નીકળવાનું ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક રણનીતિ તૈયાર કરશે.
કોરોના વાઇરસ વિરુદ્ધ લડાઈમાં સંભવિત તમામ પ્રયાસો કરવાની જરૂરીયાતને ધ્યાનમાં રાખી વડાપ્રધાને કહ્યું હતું કે, જિલ્લા સ્તર પર આ ઉદ્દેશ્ય માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમૂહ બનાવવાની જરૂર છે. આ સાથે જ જિલ્લાનું ધ્યાન રાખવા માટે અધિકારીની નિંમણૂક કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદથી કોરોનાના મુદ્દે વડાપ્રધાન મોદી અત્યાર સુધી 2 વખત દેશને સંબોધિત કરી ચૂક્યા છે. જેમાં એક વખત કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને એક દિવસ માટે જનતા કરફ્યૂનુ આહ્વાન કર્યું હતું.
આ ઉપરાંત તેમણે ડૉક્ટરો, પત્રકારો, વિદેશોમાં ભારતીય મિશનોના રાજદ્વારીઓ સહિત વિવિધ પક્ષકારો સાથે ચર્ચા કરી છે.
ઉલ્લેખીનીય છે કે, દેશમાં કોરોના વાઇરસથી મરનારા લોકોની સંખ્યા વધીને 239 થઇ છે અને સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7,447 પર પહોંચી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાયલના આંકડા અનુસાર 642 લોકો સ્વસ્થ થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.