નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઓસ્ટ્રેલિયાઈ સમકક્ષ સ્કોટ મોરિસન આજે વર્ચ્યુઅલ શિખર બેઠક કરશે. આ પ્રથમ ઘટના છે જ્યારે વડાપ્રધાન મોદી કોઈ વિદેશી નેતા સાથે ઓનલાઇન 'દ્વિપક્ષીય' શિખર સંમેલન કરી રહ્યાં છે.
પીએમ મોદી અને સ્કોટ મોરિસનની શિખર બેઠકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય રાજકીય સંબંધોની સમીક્ષા કરવામાં આવી શકે છે. ઓનલાઇન માધ્યમથી યોજાનારી આ શિખર બેઠકમાં વ્યાપાર અને સંરક્ષણના ક્ષેત્રમાં સહયોગ વધારવા અંગે પણ ચર્ચા થઇ શકે છે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવા સહિતના કરાર થવાની અપેક્ષા છે. વિદેશ મંત્રાલય તરફથી બહાર પાડેલા એક નિવેદનમાં જણાવવવામાં આવ્યું છે કે, "આ ઓનલાઈન શિખર બેઠક માટે બંને નેતાઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વધતા સંબંધોના સંદર્ભમાં તેની વિશાળ સંરચનાની સમીક્ષા કરવાની તક મળશે. આ સિવાય બંને દેશો દ્વારા કોવિડ-19 સામે લેવામાં આવેલા પગલાંઓની ચર્ચા કરવાની વિશેષ તક મળશે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ' મૈત્રીપૂર્ણ સંબંધો' છે. જેમાં ઝડપથી પ્રગતિ થઇ રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં બંને વડાપ્રધાનોએ બહુપક્ષીય બેઠકો દરમિયાન ચાર વખત બેઠક કરી છે.