વડાપ્રધાન મોદી અને બેયર ગ્રિલ્સ બંને ઉત્તરાખંડના જિમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનના જંગલમાં ઠંડી અને વરસાદની વચ્ચે સંઘર્ષ કરતા કરતા આ શૉનું શૂટીંગ કર્યું હતું. ગ્રિલ્સનું કહેવું છે કે, વડાપ્રધાન મોદી ખૂબ ઉત્સાહિત અને ઉર્જાવાન છે. ગ્રિલ્સે વડાપ્રધાન સાથે મજાકના સ્વરમાં કહ્યું હતું કે, તમે ભારતના સૌથી મહત્વના વ્યક્તિ છો અને મારે તમને જીવીત રાખવાના છે. અહીં આ શૉ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, લોકોના સપના પુરા કરવાથી ખુશી મળે છે.મારુ સમગ્ર ધ્યાન વિકાસ પર હોય છે.એક પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, મને પદ અને ખુરશીનો નશો ક્યારેય લાગ્યો નથી. ગ્રિલ્સના શૉમાં અનેક હસ્તીઓ આવી ચૂકી છે, અગાઉ આ શૉમાં અમેરિકાની રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પણ આવી ચૂક્યા છે.
વડાપ્રધાન મોદીએ અહીં આ શૉમાં બાળપણથી લઈ અત્યાર સુધીની દરેક વાતનો નિખાલસપણે જવાબ આપ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, તેમને બાળપણથી લઈ અત્યાર સુધીમાં ક્યારેય કોઈ વાતનો ડર લાગ્યો નથી. તો વળી રેલીમાં જતા પહેલા નર્વસ થાવ છો કે, કેમ આવા અનેક સવાલોના જવાબ આપતા રહ્યા હતાં.
મોદીએ આગળ વાત કરતા કહ્યું હતું કે, મારી તકલીફ એ છે કે, મને ક્યારેય આવા ડરનો અનુભવ થયો નથી. હું લોકોને એ વાત સમજાવવામાં અસમર્થ છું કે, નર્વસ શું હોય છે. તેનાથી કેવી રીતે છૂટકારો મળે. કારણ કે, મારી મૂળ સ્વભાવ તો સકારાત્મક છે. મને દરેક વસ્તુમાં સકારાત્મકતા દેખાઈ આવે છે. તેના કારણે મારે નિરાસ થવાનો વારો આવતો નથી.
ગ્રિલ્સના અન્ય એક સવાલ પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, હું આજની આ યુવા પેઢીને કહેવા માગુ છુ કે, જીવનને ક્યારેય તમે અલગ અલગ ટુકડામાં વહેંચી ન જોવું જોઈએ. આપણા જીવનને સમગ્ર જોવું જોઈએ કેમ કે, તેમા ઉતાર-ચડાવ આવતા હોય છે.
પાંચ માઈલ લાંબી આ યાત્રામાં બંને નદીની પાસે ફરતા જોવા મળ્યા હતાં. ગ્રિલ્સે વડાપ્રધાન મોદીને પોતે બનાવેલી બોટમાં બેસાડ્યા હતાં. બોટમાંથી ઉતર્યા બાદ બંનેએ પીણુ પણ પીધુ હતું. ગ્રિલ્સે મોદીને કહ્યું હતું કે, તમે પહેલી એવી હસ્તી છો કે, જેણે આવી રીતે બનાવેલી બોટમાં બેઠા હોય. ત્યારે અહીં વાતચીતમાં મોદીએ ગ્રિલ્સને કહ્યું હતું કે, પ્રકૃતિ અને આપણી ધરોહરને સાચવવી આપણી ફરજ છે. આપણે આપણી શોખ અને જીવન માટે પ્રકૃતિનું પતન કરવું જોઈએ નહીં. મોદીએ દુનિયા માટે વસુધૈવ કુટુમ્બકમનો ભાવ પણ વ્યક્ત કર્યો હતો. ગ્રિલ્સે વડાપ્રધાનને પૂછ્યુ કે, શું તમે ક્યારેય વડાપ્રધાન બનવાનું સપનું જોયું હતું. તો તેમણે કહ્યું કે, તેમનું ધ્યાન હંમેશા દેશના વિકાસ પર જ રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ આગળ જણાવતા કહ્યું હતું કે, હું પહેલા ગુજરાતનો મુખ્યપ્રધાન હતો જ્યાં મેં 13 વર્ષ સત્તા સંભાળી અને હવે પાંચ વર્ષથી દેશની સેવા કરી રહ્યો છું. એટલા માટે મારું લક્ષ્ય ફક્ત દેશના વિકાસ માટે જ છે. હું આ કામથી ખૂબ જ સંતુષ્ટ છું.