નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર જ નહીં પરંતુ દુનિયાભરના એવા નેતાઓમાં સામેલ છે જેમને સૌથી વધારે ફોલો કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી ટ્વિટર પર સૌથી પહેલા એકાઉન્ટ બનાવનારા નેતાઓમાંથી એક છે. તેમણે 2009માં ટ્વિટર પર એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારે જ કોંગ્રેસના નેતા શશિ થરૂર પણ ટ્વિટર પર આવ્યા હતા. જો કે ફોલોઅર્સ મામલે નરેન્દ્ર મોદીએ થરૂરને ઘણા પાછળ છોડી દીધા છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ટ્વિટર પર 2 કરોડ 16 લાખ ફોલોઅર્સ છે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મે 2013માં ટ્વિટર સાથે જોડાયા હતા. એપ્રિલ 2013માં ટ્વિટર પર સક્રિય થયેલા રક્ષાપ્રધાન રાજનાથસિંહના 1 કરોડ 78 લાખ ફોલોઅર્સ છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટર પર 1 કરોડ 52 લાખ ફોલોઅર્સ છે. તેઓ એપ્રિલ 2015માં આ પ્લેટફોર્મ પર સક્રિય થયા હતા. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા એક કરોડથી ઓછી છે.
દેશના સૌથી મોટા રાજ્યા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ફોલોઅ્સની સંખ્યા એક કરોડ પાંચ લાખ છે. તેઓ સપ્ટેમ્બર 2015માં ટ્વિટર પર સક્રિય થયા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના 1 કરોડ 99 લાખ ફોલોઅર્સ છે.
સપ્ટેમ્બર 2019માં જ ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા 5 કરોડ પહોંચી હતી. આમ માત્ર 10 મહિનામાં ટ્વિટર પર તેમના ફોલોઅર્સની સંખ્યામાં 1 કરોડથી વધુ લોકોનો વધારો થયો છે.
ફોલોઅર્સના મામલે અત્યારે ટ્વિટર પર સૌથી વધુ લોકપ્રિય અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે. ઓબામાને પીએમ મોદી કરતા બમણા લોકો ફોલો કરે છે. અત્યારે ટ્વિટર પર તેમના ફોલોઅર્સની સંખ્યા 120.7 મિલિયન એટલે કે 12 કરોડથી પણ વધુ છે. ત્યારબાદ અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા 83.7 મિલિયન એટલે કે 8 કરોડ 37 લાખ છે.