નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજઘાટ નજીક 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દિલ્હીના 36 સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. આ વિદ્યાર્થીઓ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
મહાત્મા ગાંધીને સમર્પિત રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર (આરએસકે)ની પહેલી ઘોષણા વડાપ્રધાને 10 એપ્રિલ 2017ના રોજ ગાંધીજીના ચંપારણના 'સત્યાગ્રહ'ના 100 વર્ષ પૂરા થવા માટે કરી હતી. તે સ્વચ્છ ભારત મિશન પર એક અરસપરસ ઇન્ટરેક્ટિવ સેન્ટર હશે.
આરએસકે પહોંચ્યા બાદ વડાપ્રધાને ત્યાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી આપી અને કેન્દ્રનું અવલોકન કર્યું.
આરએસકે સ્થિત ઓડિટોરિયમમાં વડાપ્રધાને 'દર્શક 360 ડિગ્રી'નો એક અનોખો ઓડિઓ-વિઝ્યુઅલ કાર્યક્રમ જોયો. જેમાં ભારતના સ્વચ્છતાના ઇતિહાસમાં લોકોની આદતોને બદલવા માટેના સૌથી મોટા અભિયાનની યાત્રા દર્શાવવામાં આવી હતી.