નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરકારમાં 20 વર્ષ પુર્ણ કર્યા છે. આજના દિવસે એટલે કે 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતાં. ગુજરાતના મોડલની સફળતા બાદ 2013માં મોદીને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતાં.
આજે જ બન્યા હતા ગુજરાતના મુખ્યપ્રધાન
નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001 ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો પ્રથમ કાર્યકાળ શરૂ કર્યો હતો. ત્યારબાદ તેમણે રાજકોટથી ચૂંટણી લડી હતી. જેમાં જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો હતો અને રાજ્યની લગામ સોંપી હતી. મહત્વની વાત એ છે કે નરેન્દ્ર મોદીએ ભગવદ ગીતાના શપથ ગ્રહણ કરીને મુખ્યપ્રધાન પદની ખુરશી સંભાળી હતી.
ગુજરાતને મોડેલ બનાવ્યુ
ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સતત ચાર વાર કાર્યકાળ રહી વિકાસની દિશામાં રાજ્યની આગેવાની કરનાર મોદીની છબી એક પ્રિય અને કડક વહીવટકર્તાની છે. રાજ્યમાં વિકાસ કરવા માટે તેમણે અનેક નવીનતાઓ કરી. રાજ્યમાં રોકાણ માટે 'વાઈબ્રન્ટ ગુજરાત' કાર્યક્રમ શરૂ કર્યો અને રાજ્યમાં રોકાણકારો આકર્ષ્યા. નરેન્દ્ર મોદીના પ્રયત્નોની અસર થઈ કે ટૂંક સમયમાં રાજ્ય અગ્રણી રાજ્યોની શ્રેણીમાં આવી ગયું.
2014 માં બન્યા વડાપ્રધાન
2014ની લોકસભાની ચૂંટણી પૂર્વે પાર્ટીએ મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ગુજરાતના વિકાસ મોડેલ દ્વારા નવા ભારતની 21 મી સદીના વિકાસ મોડેલના મોદીના વિઝનને સમર્થન મળ્યું અને વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ધરતી પર વિજય મેળવ્યો. 2014ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ 282 બેઠકો જીતી હતી. ભાજપને પ્રથમ વખત મોદીના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ બહુમતી મળી.
અનેક યોજનાઓ અમલમાં મુકી
સત્તામાં આવ્યા પછી, મોદીએ જનધન યોજના, મુદ્રા યોજના, જન સુરક્ષા યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, પીએમ આવાસ યોજના, સૌભાગ્ય યોજના, ભીમ-યુપીઆઈ યોજના, આયુષ્માન ભારત અને પીએમ-કિસાન જેવા લોક કલ્યાણ કાર્યક્રમો શરૂ કર્યા.
2019માં જનતાએ ફરી એકવાર મોદી પર વિશ્વાસ રાખ્યો અને મજબૂત બહુમતી સાથે ફરીથી સત્તા સોંપી. બિન-કોંગ્રેસ વડા પ્રધાન તરીકે લાંબા સમય સુધી સત્તા સંભાળનારા તે પ્રથમ વડા પ્રધાન પણ બન્યા. અગાઉ આ રેકોર્ડ અટલ બિહારી વાજપેયીના નામે નોંધાયેલ હતો.