નવી દિલ્હી: લદ્દાખ- ચીન સરહદ પર થઈ રહેલી અથડામણને લઈને કોંગ્રેસના પૂ્ર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અવાર-નવાર સરકાર સામે સવાલ કરતાં જોવા મળે છે. તેમણે ફરી એકવાર વડાપ્રધાન પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાને ભારતીય ક્ષેત્ર ચીનને સોંપી દીધું છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ હતું કે, વડાપ્રધાને ચીનની આક્રમકતા સામે ભારતીય ક્ષેત્રની જમીન ચીનને સોંપી દીધી છે. તેમણે સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો તેમને ચીનને જમીન આપવી જ હતી તો આપણા સૈનિકોને શા માટે શહીદ કર્યા?
નોંધનીય છે કે, મોદીએ ભારત -ચીન તણાવ પર શુક્રવારે યોજાયેલી સર્વદળીય બેઠકમાં કહ્યું હતું કે, "ના તો કોઈએ આપણી સરહદમાં ઘુસણખોરી કરી છે. ના તો કોઈએ આપણી છાવણી પર કબ્જો કર્યો છે".
વડાપ્રધાને લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈને બોલાવેલી બેઠકના અંત કહ્યું હતું કે, ચીને જે કર્યુ છે તેનાથી સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે.