બાલાકોટ હવાઈ હુમલા બાદ નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં ચાલી રહેલા તનાત ભર્યા સંબંધો વચ્ચે પાકિસ્તાનનું નવુ કારસ્તાન સામે આવ્યું છે. પાકિસ્તાની F-16 લડાયક વિમાનો દ્વારા ગયા મહીને દિલ્હીથી કાબુલ જઈ રહેલી સ્પાઈસ જેટની પ્રવાસીઓ સાથેની ફ્લાઈટને 1 કલાક સુધી રોકી રાખી હતી.
વિમાનમાં સવાર એક પેસેન્જરે પોતાનું નામ ગુપ્ત રાખવાની શર્તે જણાવ્યું કે સ્પાઈસ જેટ ઉડ્યા પછી આકાશમાં અધવચ્ચે હતું, તે દરમિયાન પાકિસ્તાની F-16 જેટ વિમાનોએ આ ફ્લાઈટની ઘેરાબંદી કરી પાયલટને ઉંચાઈ ઓછી કરી ફ્લાઈટની વિગતો રિપોર્ટ કરવા જણાવ્યું હતું.
આ ઘટના 23 સપ્ટેમ્બરે સ્પાઈસજેટની ફ્લાઈટ SG-21 સાથે બની, જે દિલ્હીથી કાબુલ તરફ જઈ રહી હતી. આ વિમાનમાં 120 મુસાફરો સવાર હતાં. તેમાં પણ મહત્વની બાબત એ છે કે આ ઘટના તેવા સમયે બની જ્યારે પાકિસ્તાનનો હવાઈ વિસ્તાર ભારત માટે બંધ ન હતો.
સામાન્ય રીતે દરેક ફ્લાઈટનો પોતાનો કોડ હોય છે, જેમ સ્પાઈસ જેટને SGના નામથી ઓળખવામાં આવે છે, ભ્રમિત થયેલી પાકિસ્તાની એજન્સી એયર ટ્રાફિક કંટ્રોલે SGને IA સમજી લીધુ અને તેની વ્યાખ્યા ઈન્ડિયન આર્મી કરી દીધી. જેના કારણે આ વિમાનને રોકવાનો નિર્ણય લીધો હતો.