નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટમાં કેસની ઓનલાઇન ઇ-ફાઇલિંગની શરૂઆત આજે વેબિનર દ્વારા થઈ હતી. ઓનલાઇન ઇ-ફાઇલિંગનું ઉદ્ઘાટન કરતાં મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલે જણાવ્યું હતું કે, હવે દેશના ખૂણે ખૂણેથી દિલ્હી હાઈકોર્ટમાં ઓનલાઇન કેસ દાખલ કરી શકાશે. આ દ્વારા વકીલો અને પક્ષકારો અરજીઓ કરી શકે છે.
Cisco webex દ્વારા વેબિનારમાં ચીફ જસ્ટિસે કહ્યું કે, આવશ્યકતા એ શોધની જનની છે. શરૂ કરવામાં મુશ્કેલી છે પણ ધીરે ધીરે આપણે શીખી જઈશું. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી અરુણાચલ પ્રદેશનો વ્યક્તિ કેસ નોંધાવી શકશે. તેમણે કહ્યું કે, તમે કોઈ પણ જગ્યાએથી તમારી અરજી, જવાબ દાખલ કરી શકો છો. જો પિટિશનમાં કોઈ ખામી હોય તો તેને ઈ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. વકીલો પોતાનો જવાબ તે ખામીને આપી શકે છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, અમે સંપૂર્ણ રીતે પેપરલેસ કોર્ટ થવાના છીએ. તેમણે કહ્યું કે, અમે કોરોના સંકટ સમયે કોર્ટ ખોલી રહ્યાં નથી. આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, લોકડાઉન દરમિયાન દિલ્હીમાં 41 હજારથી વધુ કેસની સુનાવણી થઈ હતી. બધા જજ કામ કરી રહ્યાં છે. જો આપણે પેપરલેસ કોર્ટમાં કામ કરી શકીએ તો બીજા પણ કરી શકે છે.
આ પ્રસંગે જજ નવીન ચાવલાએ કહ્યું કે, કેસની ઓનલાઇન ફાઇલિંગ કેવી રીતે કરવી તે અંગે ટ્યુટોરિયલ વીડિયો હાઇકોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. તે ખૂબ જ સરળ છે. આ સુવિધાનો ઉપયોગ કરતા પહેલા તમારે તે વીડિયો જોવો પડશે. આ પ્રસંગે ન્યાયાધીશ સંજીવ સચદેવાએ કહ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટ 2009માં સૌ પ્રથમ ડિજિટલ બન્યું હતું. લોકડાઉન પછી, અહીં વર્ચુઅલ સુનાવણી શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે, દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ મોહિત માથુરે ઓનલાઇન ફાઇલિંગ સુવિધા શરૂ કરવાને આવકાર આપ્યો છે. તેમણે કહ્યું કે, આ પછી ફાઇલિંગ કાઉન્ટર અને ફોટોસ્ટેટની દુકાનોમાં ભીડ નહીં થાય.