ભુવનેશ્વર: ઓડિશાનાં સ્વાસ્થ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 718 નવા કેસ આવ્યા છે. ચાર લોકોના મોત થયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 16110 અને કુલ મૃત્યુઆંક 83 થયો છે.
મૃત્યુ પામેલા પૈકી બે લોકો ગંજામ જિલ્લાનાં છે. જ્યારે ગજપતિ અને અંગુલ જિલ્લામાંથી એક-એક વ્યક્તિ મૃત્યુ પામ્યા છે. આ વચ્ચે ઓડિશા સરકારે કટકની એક હોસ્પિટલમાં કોવિડ-19નાં દર્દીઓની સારવાર માટે પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ શરૂ કરી દીધો છે. સ્વાસ્થ્ય વિભાગના તકનીકી સલાહકાર ડૉક્ટર જયંત પાંડા પહેલીવાર અશ્વિની હોસ્પિટલમાં 48 વર્ષીય દર્દી પર તેનો પ્રયોગ કરાયો છે.
તેમણે ઉમેર્યુ હતું કે, દર્દી પર બી પોઝિટિવ પ્લાઝ્માનો ઉપયોગ કરાયો હતો. રાજ્ય સરકારે આ પહેલા જાહેરાત કરી હતી કે પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ એસયૂએમ હોસ્પિટલ અને કલિંગ ચિકિત્સા વિજ્ઞાન સંસ્થાન, ભુવનેશ્વરમાં થશે.
સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, કટકમાં બુધવારે એસસીબી મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં એક પ્લાઝ્માં બેંકનું કામ શરૂ કરી દીધું છે. કોવિડ 19થી સ્વસ્થ થઈ ચૂકેલા એક ડૉક્ટર સહિત ચાર લોકોએ પોતાના પ્લાઝ્માં દાનમાં આપ્યા છે.