નવી દિલ્હીઃ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશમાં નવી સરકારની રચના અંગેના અભિનંદન સંદેશ પર તેમનો આભાર માન્યો છે અને બંને દેશો વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધોને મજબૂત રાખવા કટિબદ્ધતા વ્યક્ત કરી.
નેતન્યાહૂએ પીએમ મોદીના અભિનંદન સંદેશનો જવાબ આપતા ટ્વીટ કરી ને કહ્યું કે મારા પ્રિય મિત્ર ભારતના વડાપ્રધાન તમારો આભાર, અમે બંને દેશોના મહત્વપૂર્ણ સંબંધોને મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું. આ પહેલા વડાપ્રધાન મોદીએ રવિવારે ઇઝરાઇલના વડાપ્રધાન નેતન્યાહુને ઘણા મહિનાની રાજકીય અનિશ્ચિતતા પછી તેમના દેશમાં ગઠબંધન સરકારની રચના માટે અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ હિબ્રૂ અને અંગ્રેજીમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે "ઇઝરાઇલમાં પાંચમી વખત સરકાર રચવા બદલ મારા મિત્ર નેતન્યાહુને અભિનંદન".
તેમણે વધુમાં કહ્યું હતું કે હું તમને અને બેની ગેન્ટઝને શુભેચ્છા પાઠવું છું અને ભારત-ઇઝરાઇલની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તમારી સરકાર સાથે મળીને કામ કરવાની આશા રાખું છું.