નોંધનીય છે કે કાશ્મીર ખીણ સુરક્ષાબંધી હેઠળ છે જે ધીમેધીમે ઉઠાવાઈ રહી છે તેને પાંચ મહિના ઉપરાંત સમય થઈ ગયો છે. પાંચ મહિના સુધી અભૂતપૂર્વ પ્રતિબંધ રહ્યા પછી કાશ્મીરમાં ઇન્ટરનેટ ટૂંક સમયમાં આંશિક રીતે પુનઃસ્થાપિત કરાશે, પરંતુ માત્ર જરૂરી સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ માટે જ. જોકે અત્યારે કાશ્મીરીઓ માટે સૉશિયલ મિડિયા સાઇટ પહોંચની બહાર જ રહેશે
રાજદ્વારીઓની મુલાકાત
ભારત સરકારે તાજેતરમાં કાશ્મીરી સમાજના વિવિધ વર્ગોને મળવા દિલ્હી સ્થિત વિદેશી રાજદ્વારીઓની જમ્મુ-કાશ્મીર મુલાકાતનું આયોજન કર્યું હતું. અમેરિકા, બાંગ્લાદેશ, વિયેતનામ, નૉર્વે, માલદીવ્સ, દક્ષિણ કોરિયા, મોરોક્કો, નાઇજીરિયા, આર્જેન્ટિના, ફિલિપાઇન્સ વગેરે દેશોના રાજદ્વારીઓને કેન્દ્ર શાસિત પ્રદેશના માર્ગદર્શિત પ્રવાસે લઈ જવાયા હતા.
રાજદ્વારીઓને પસંદગીના પત્રકારો, રાજકીય નેતાઓ અને નાગરિક સમાજના કાર્યકરો સાથે વાતચીત કરવા દેવાયા હતા. અપેક્ષા પ્રમાણે, તેમને કાશ્મીરના જાણીતા રાજકીય કેદીઓ અથવા એમ કહો કે કોઈ રાજકીય કેદીઓને મળવા દેવાયા નહોતા. તેઓ જેમને મળ્યા તેમાંના મોટા ભાગનાઓએ દલીલ કરી કે કાશ્મીર શાંત છે અને ઑગસ્ટથી એક પણ ગોળી છોડાઈ નથી. આ એ જ દલીલ છે જે નવી દિલ્હી તેની કાશ્મીર નીતિને ઉચિત ઠરાવવા માટે સામાન્ય રીતે કરતું હોય છે.
ભારતીય સરકારે તાજેતરમાં જાહેર કર્યું કે તેના કેટલાક પ્રમુખ પ્રધાનો ટૂંક સમયમાં કાશ્મીરની મુલાકાત લેશે. તેઓ લોકોને નવા રચાયેલા બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિકાસની પહેલો હાથ ધરવાની કેન્દ્રની યોજનાઓ વિશે વાત કરશે.
આ સ્પષ્ટ રીતે ઘણી જરૂરી પહેલ છે. હકીકતે, જમ્મુ-કાશ્મીરમાં રાજદ્વારીઓની તાજેતરની મુલાકાત અને પ્રધાનોની આગામી મુલાકાત એ સરકાર દ્વારા એ સંકેત આપવાની પહેલનો ભાગ છે કે કાશ્મીર ફરીથી સામાન્ય બની રહ્યું છે.
અને છતાં, શા માટે માત્ર પસંદ કરાયેલા રાજદ્વારીઓને સરકાર જેને નક્કી કરે તેમને જ માત્ર મળવા દેવાય છે? વધુમાં, જ્યારે વિદેશી પ્રતિનિધિઓને કાશ્મીરની મુલાકાત લેવાની છૂટ છે ત્યારે શા માટે ભારતીય રાજકારણીઓને તેમના પોતાના દેશની મુલાકાત લેવાની છૂટ નથી? જો સરકારનો હેતુ ખરેખર કાશ્મીરના લોકો પાસે પહોંચવાનો જ હોય તો ૨૦૧૦માં ખીણમાં ભારત વિરોધી આંદોલનો દરમિયાન જેમ થયું હતું તેમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની મુલાકાત આયોજિત કેમ નથી કરતા?
સામાન્ય સ્થિતિની છાયા ચિત્રિત કરવાના આ કેન્દ્ર સરકારના શ્રેષ્ઠ અડધાં પગલાં છે, તેમ છતાં આપણે જાણીએ છીએ કે કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ ક્યાંય નથી. જો સામાન્ય સ્થિતિ જ ઈચ્છતા હો તો સામાન્ય રાજકારણને પણ કાશ્મીરમાં છૂટ હોવી જોઈએ.
પહેલોનો સમય
નિયંત્રણો હળવા કરવાનાં કેટલાંક પગલાં ગયા સપ્તાહે સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાના પગલે આવ્યાં છે જેમાં ન્યાયાલયે કહ્યું કે ઇન્ટરનેટ અનિશ્ચિત સમય માટે નિલંબિત રાખવું ગેરકાયદે છે અને તે સત્તાના દુરુપયોગ સમાન છે. જ્યારે ચુકાદામાં તમામ સાચા શબ્દો હતા ત્યારે કાશ્મીરીઓ માટે બહુ ઓછી રાહત હતી. ન્યાયાલયે કાશ્મીરમાં નિયંત્રણો ઉઠાવી લેવાનો આદેશ કરવાના બદલે સરકાર દ્વારા કાશ્મીરમાં નિયંત્રણકારી પગલાંઓની સમીક્ષા કરવા કહ્યું. ન્યાયાલયના આદેશની સમસ્યા એ છે કે સરકાર તેની સારી રીતે સમીક્ષા કરી શકે છે અને આ જ પગલાંઓ ચાલુ રાખી શકે છે.
આ જ ચુકાદાના ભાગ રૂપે, ન્યાયાલય રાષ્ટ્રીય સુરક્ષા સાથે વાણી સ્વાતંત્ર્યના સંતુલનની જરૂરિયાત પર પણ બોલ્યું જે કદાચ ખોટો અભિગમ છે. ન્યાયતંત્રએ વ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે હસ્તક્ષેપ કરવો જોઈતો હતો. વ્યક્તિગત સ્વતંત્રતાને નિયંત્રિત રાખતી સુરક્ષા રાખવી તે આપણે જાણીએ છીએ તેમ લોકશાહી સ્વતંત્રતાના અંતનો આરંભ હોઈ શકે છે.
ખીણમાં નવું રાજકારણ સર્જવું
આમ કહ્યા પછી, આપણે ભારતીય સરકાર દ્વારા આજે કાશ્મીરની રણનીતિ બનાવવા તરફ કદાચ જોઈ રહ્યા છીએ. આ સંદર્ભમાં જે કેટલાંક નાનાં પગલાં લાગે છે તેની સમીક્ષા કરીએ.
પ્રથમ તો, કાશ્મીરમાં નિયંત્રણો ઉઠાવવાની પ્રક્રિયા ધીમી લાગે છે. આ ક્રમશઃ પ્રક્રિયા છે અને તેને સાર્થક થવામાં સમય લાગશે. ન્યાયાલયનો આદેશ તેમજ ભારતની અંદર અને બહારથી દબાણથી આ પ્રક્રિયા સંભવતઃ ઝડપી બનશે.
બીજી નીતિ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં નવો રાજકીય પક્ષ રચવા નેશનલ કૉન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી જેવા જમ્મુ-કાશ્મીરના પરંપરાગત રાજકીય પક્ષોના વરિષ્ઠ રાજકારણીઓને અલગ કરવાની છે. આનાથી કાશ્મીરમાં નવા પ્રકારનું રાજકારણ શરૂ થશે જેમાં નવા નેતાઓ નવી માગણીઓ અને નવી સમજૂતીઓ માટે અવાજ ઉઠાવશે. જેલમાં બંધ અનેક નેતાઓ કાશ્મીરીઓના માનીતા નથી તે હકીકત એ સુનિશ્ચિત કરશે કે ખીણમાં આવી નવી રાજકીય રચનાના સર્જન સામે બહુ ખાસ પ્રતિકાર નહીં થાય.
ત્રીજી રણનીતિ કાશ્મીરી નેતાઓને નવી દિલ્હી સાથે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવાના પ્રશ્ન પર તેમની સમજૂતીને નિયંત્રિત કરવાની હશે. આવનારા સમયમાં આ લોકપ્રિય માગણી હશે. એક વાર નવી દિલ્હી-શ્રીનગરની વાતચીત આ મુદ્દા આસપાસ નિયંત્રિત થશે, તો અન્ય મુદ્દાઓને હાંસિયામાં ધકેલી શકાશે, ઓછામાં ઓછું તત્સમય પૂરતું તો ખરું જ.
આમ તો, પ્રથમ નજરે, આ મજબૂત રણનીતિ લાગી રહી છે પરંતુ તે કહેવામાં જેટલી સરળ લાગે છે તેટલી અમલમાં નહીં હોય. કાશ્મીરી યુવાન જે ખૂબ જ અસંતુષ્ટ છે, તે આ રણનીતિઓથી આકર્ષિત થઈ જાય તેવું અસંભવ લાગે છે. પ્રશ્ન એ છે કે આવનારા મહિનાઓ અને વર્ષોમાં નવી દિલ્હી કાશ્મીરના રાજકારણને ચલાવશે કે કાશ્મીરના યુવાનો તેમ કરશે.
વધુમા, જ્યારે નિયંત્રણો ઉઠશે ત્યારે શું થશે તે બધા જ કલ્પના કરી રહ્યા છે. કાશ્મીરમાં કાળજીપૂર્વક રાજકીય જગ્યા માપવા અને સંભાળવા વિશે આ તમામ ગણતરીઓ લોકોના વિદ્રોહના આવેશમાં ધોવાઈ જઈ શકે છે.
ત્રીજું, આવનારા મહિનાઓમાં કાશ્મીર સંદર્ભે પાકિસ્તાન શું કરશે તેની આપણે રાહ જોવી રહી. એક વાર એફએટીએફનું દબાણ હળવું થશે અને કાશ્મીરમાં બરફ પીગળશે, તો પાકિસ્તાન કાશ્મીર બાબતે કોઈ સાહસ કરી શકે છે. જો તેમ થશે તો આપણે અને કાશ્મીરે ગરમ ઉનાળા માટે તૈયાર રહેવું પડશે.
લેખક - હેપ્પીમૉન જેકૉબ (એસોસિએટ પ્રૉફેસર, ડિસઆર્મામેન્ટ સ્ટડીઝ
સેન્ટર ફૉર ઇન્ટરનેશનલ પૉલિટિક્સ, ઑર્ગેનાઇઝેશન એન્ડ ડિપાર્ટમેન્ટ,
સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી)
Conclusion: