મધ્યપ્રદેશ: શાજાપુરની સિટી હોસ્પિટલમાં એક 80 વર્ષીય વૃદ્ધ વ્યક્તિને સારવારના પૈસા ન આપવાના મામલે બાંધી રાખવામાં આવ્યા હતા. આ સમાચાર ઇટીવી ભારત દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, સમાચાર આવ્યા પછી સીએમ શિવરાજસિંહે ટ્વિટ કરીને આ મામલે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.
મુખ્યપ્રધાનની સૂચનાના પગલે શાજાપુર એસડીએમ અને બે તબીબોને તપાસ અધિકારી બનાવવામાં આવ્યા હતા. તપાસ બાદ સિટી હોસ્પિટલને આજે સીલ કરી દેવામાં આવી હતી અને સિટી હોસ્પિટલની તપાસ અને નિવેદનોના આધારે હોસ્પિટલના સંચાલક સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
શાજાપુર સિટી હોસ્પિટલની તપાસ અને વૃદ્ધ લક્ષ્મી નારાયણ અને તેના પરિવારના નિવેદનના આધારે, વૃદ્ધને સિટી હોસ્પિટલ દ્વારા બંધક બનાવ્યા હોવાનું શાજાપુર એસડીએમએ માન્યું હતું. તે અહેવાલના આધારે એસડીએમ શાજાપુરએ તપાસ રિપોર્ટ કોટવાલી પોલીસ ને મોકલ્યો હતો, કોટવાલી પોલીસે હોસ્પિટલના મેનેજર રિતેશ શર્મા વિરુદ્ધ કલમ 342 હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સાથે સિટી હોસ્પિટલને પણ સીલ કરી દેવામાં આવી હતી. અને ત્યાંના તમામ દર્દીઓને જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ સમગ્ર મામલે હોસ્પિટલના મેનેજર રિતેશ શર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમને દોષી ગણવામાં આવ્યા હતા. પરંતુ આ હોસ્પિટલના માલિક ડૉ.બજાજ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જ્યારે તે આ સમગ્ર મામલામાં દોષી છે.