મુંબઈઃ મહારાષ્ટ્રના જેલ વિભાગે કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે જેલમાં સજા ભોગવી રહેલા 3,478 કેદીઓને જામીન પર છોડી મુક્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ કેદીઓને 7 વર્ષ કરતાં ઓછી સજા મળી હતી.
આ ઉપરાંત કેદીઓમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે મુંબઈ, થાણે અને પુણેની 5 સેન્ટ્રલ જેલને લોકડાઉન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આદેશ મુજબ, કોઈ પણ નવા કેદીને અહીંયા લાવવામાં આવશે નહીં અને કોઈને બહાર જવા દેવામાં આવે નહીં. જેલના કર્મચારી પણ બહાર જઇ શકશે નહીં.
આ આદેશ મુંબઈ આર્થર રોડ જેલ, ભાયખલા જેલ, થાણે જેલ, કલ્યાણ જેલ અને પુણેની યરવડા જેલ માટે છે.
સરકારી આદેશમાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, આ પલગું સાવચેતીના ભાગ રૂપે લેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાઇરસ સંક્રમણના 120 નવા કેસ આવવાની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,574 થઇ છે.
શુક્રવારે કોવિડ-19ના 13 દર્દીનાં મોત થયાં અને રાજ્યમાં સંક્રમણના કારણે મરનારા લોકોની સંખ્યા 110 થઇ છે.