મમતાએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ હિંસા ભડકાવીને અને ખોટા સમાચાર ફેલાવીને તેમની સરકારને પાડવાની કોશિશ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભાજપ સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા સમાચાર ફેલાવવા માટે કરોડો રૂપિયા ખર્ચો કરી રહી છે. કેન્દ્ર સરકાર અને ભાજપના પાર્ટી કાર્યકર્તાઓ રાજ્યમાં હિંસા ભડકાવવાની કોશિશ કરી રહ્યા છે અને બંગાળને ગુજરાત નહીં બનવા દઇએ.
મમતાએ મીડિયા પર પણ નિશાન સાધ્યુ અને કહ્યું કે, મીડિયા પણ ભાજપના ઈશારા પર ખોટી માહિતી ફેલાવી પશ્ચિમ બંગાળનું અપમાન કરે છે.
મમતાએ આરોપ લગાવ્યો છે કે, લોકસભા ચૂંટણી જીત્યા બાદ કેટલાક કેન્દ્રીય નેતાઓના ઈશારા પર ભાજપ એક ષડયંત્ર બનાવી બંગાળના દાર્જીલીંગ અને જંગલમહેલ વિસ્તારમાં હિંસા ફેલાવવાની કોશિશ કરી રહી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, "ભાજપે આગ સાથે રમવું ના જોઇએ"
તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષે જણાવ્યું છે કે, આ એક સુઆયોજીત ષડયંત્ર છે. કારણ કે તેમને ખ્યાલ છે કે દેશમાં તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવનાર એક માત્ર મમતા બેનર્જી છે. અમારી સરકારને પાડવાનું આ ષડયંત્ર સફળ નહી થાય.