કોલકાતા: પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે કોરોનાના વધી રહેલા કેસને જોતા રાજ્યમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. હવે મમતા દીદીએ ગરીબો માટે મોટી રાહત આપતા જૂન 2021 સુધી નિ:શુલ્ક રાશન આપવાની જાહેરાત કરી છે.
કોરોના સંકટની વચ્ચે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ એક મોટું પગલું ભર્યું હતું અને જૂન 2021 સુધીમાં ગરીબો માટે મફત રાશનની જાહેરાત કરી હતી.
મમતા બેનર્જીએ રાજ્યમાં અનલોક-2 માટે અનેક છૂટછાટો વિશે માહિતી આપી હતી અને કેટલાક પ્રતિબંધોની પણ જાહેરાત કરી હતી. આ અંગે દીદીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક પત્ર લખ્યો છે. જેમાં મમતાએ કહ્યું કે, જેમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 15 જુલાઈ સુધી પ્રતિબંધ છે, તેમ અમે કેટલાક હોટસ્પોટ્સના એરપોર્ટ પર ઘરેલુ ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મુકવાની વિનંતી કરી છે. જો કે, આવશ્યક સેવાઓમાં રોકાયેલા લોકો માટે મેટ્રો શરૂ કરવાની વિનંતી પણ કરી છે.
પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે, ત્યારે બંગાળ સરકારે એકવાર ફરીથી રાજ્યમાં લૉકડાઉન વધારવાનો નિર્ણય લીધો હતો. હવે પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન રહેશે, પરંતુ લૉકડાઉનમાં પહેલા કરતા વધુ છૂટ આપવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી કોરોનાના કુલ 14728 કેસ સામે આવ્યાં છે. જેમાંથી કુલ 9218 દર્દીઓ સાજા થયા અને 580 લોકોના મૃત્યુ થયા છે. હવે રાજ્યમાં કોરોનાના કુલ 4930 એક્ટિવ કેસ છે. આ સિવાય 18,13,88 લોકોને સર્વેલન્સ પર રાખવામાં આવ્યાં છે.