નવી દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પાર્ટી કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ આતંકવાદી છે. જેથી તેમણે પોતાના કામ ગણાવીને કહ્યું કે, શિક્ષણ, સ્વાસ્થ્યની સમસ્યાનું નિરાકરણ લાવનારો આતંકવાદી હોય છે? શું વડીલોને તીર્થ યાત્રામાં મોકલનારો આતંકવાદી હોય છે? શું શહીદોના પરિવારની સંભાળ રાખનારો આતંકવાદી હોય છે?
શું દેશ સેવા કરવી આતંક કહેવાય?
અરવિંદ કેજરીવાલે પોતાના શરૂઆતની સફરનો ઉલ્લેખ કરીને કહ્યું કે, મેં ખડકપુર ITIમાં અભ્યાસ કર્યો છે, હું વિદેશ પણ જઈ શકતો હતો, પરંતુ મેં દેશમાં રહીને દેશની સેવા કરી છે. ઈન્કમ ટેક્સ ઓફિસરની નોકરી છોડીને ભ્રષ્ટાચાર આંદોલનમાં જોડાયો. મોટા-મોટા ભ્રષ્ટાચાર સામે લાવ્યો છું, મારા પર કેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું કોઈ આતંકવાદી આવું કરે?
દેશ માટે જીવ જોખમમાં નાખ્યો
કેજરીવાલે કહ્યું કે, હું ડાયાબિટીસનો દર્દી છું, દિવસમાં 4 વખત દવાનો ઉપયોગ કરૂં છું. આ દરમિયાન ભ્રષ્ટાચાર સામે 2 વખત ભૂખ હડતાળ કરી. જીવને જોખમમાં નાખ્યો. મને હેરાન કરવામાં આવ્યો, ઘરથી લઇને ઓફિસ સુધી દરેક સ્થળે દરોડા પાડવામાં આવ્યા. કેજરીવાલે કહ્યું કે, બુધવારે સાંજે હું ઘરે ગયો,ત્યારે મારા પિતા દુ:ખી હતા. તેમનું કહેવું હતું કે, મારો પુત્ર કટ્ટર દેશ ભક્ત છે.
અરવિંદ કેજરીવાલે ભાજપને આડે હાથ લેતા કહ્યું કે, આ નિર્ણય હું દિલ્હીની જનતા પર છોડું છું કે, તે મને ભાઈ માને છે, દિકરો માને છે, કે આતંકવાદી માને છે.
ચૂંટણી પંચમાં ફરિયાદ
પ્રવેશ વર્માના આ નિવેદન વિરૂદ્ધ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવા જઇ રહ્યા છે. જોવા જેવું હવે એ હશે કે, ચૂંટણી પંચ આ મુદ્દે શું કાર્યવાહી કરશે.