શ્રીનગરઃ કોરોના વાઈરસની મહામારીની સમીક્ષા કર્યા બાદ જમ્મુ કાશ્મીર પ્રશાસને કાશ્મીર ઘાટી અને જમ્મુના ત્રણ જિલ્લાઓને રેડ ઝોનમાં ઘોષિત કર્યા છે. મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ દ્વારા રવિવારે રાતે કરેલા આદેશ પ્રમાણે જિલ્લાનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જમ્મુ કાશ્મીરના ચાર જિલ્લાઓ શ્રીનગર, બાંદિપુરા, અનંતનાગ અને શોપિયાને રેડ ઝોનમાં રાખ્યા છે.
કેન્દ્ર સરકારે રાજ્ય અને કેન્દ્ર શાસિત ક્ષેત્રને આ અંગે મંજૂરી આપી છે કે, તે અતિરિક્ત જિલ્લાઓને પણ રેડ ઝોન કે ઓરેન્જ ઝોનમાં વર્ગીકૃત કરી શકે છે. જો કે, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને જિલ્લાનો ઝોન ઘટાડવાની મંજૂરી નથી.
જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, 10 જિલ્લાઓનો સમાવેશ કરનારી આખી કાશ્મીર ખીણને રેડ ઝોન જાહેર કરવામાં આવી છે. તેમજ જમ્મુ ક્ષેત્રના ત્રણ જિલ્લા જમ્મુ, સામ્બા અને કઠુઆ રેડ ઝોનમાં છે.
જમ્મુ પ્રદેશના ચાર જિલ્લા ઉધમપુર, રિયાસી, રામબાન અને રાજૌરી ઓરેન્જ ઝોનમાં છે જ્યારે ડોડા, કિશ્તવાડ અને પૂંછ ગ્રીન ઝોનમાં છે.
સરકારે મંજૂરીવાળી પ્રવૃત્તિઓમાં વાહનોથી લોકોની અવરજવરની મંજૂરી આપી છે, પરંતુ ફોર વ્હીલરમાં ડ્રાઇવર સિવાય અન્ય બે મુસાફરો જ સવારી કરી શકે છે. જ્યારે ટુ-વ્હીલરમાં ચાલક સિવાય, કોઈને પણ પાછળ બેસવાની મંજૂરી નથી.
આદેશમાં જણાવાયું છે કે ખાનગી કચેરીઓ તેમના કુલ કર્મચારીઓમાંથી 33 ટકા કાર્યક્ષમતા સાથે ઓફિસ ખોલી શકે છે, બાકીના બધા ઘરેથી કામ કરશે.