હૈદરાબાદ : દેશમાં 633.88 લાખ એમએસએમઈ છે, જેમાંથી 608.41 લાખ (95.98 ટકા) એકમો પ્રોપ્રાયટરી એકમો હતાં. પ્રોપ્રાયટરી એમએસએમઈના માલિકો તરીકે પુરુષોનું અસાધારણ વર્ચસ્વ છે. આમ, એકંદરે પ્રોપ્રાયટરી એમએસએમઈમાં 79.63 ટકા એકમોની માલિકી પુરુષો તેમજ 20.37 ટકા એકમોની માલિકી મહિલાઓ ધરાવે છે.
નેશનલ સેમ્પલ સર્વે (એનએસએસ)નો ત્રીજો રાઉન્ડ વર્ષ 2015-16 દરમ્યાન યોજાયો હતો, જેમાં જાણવા મળ્યું કે એમએસએમઈ ક્ષેત્ર દેશભરના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં 11.10 કરોડ રોજગાર (360.41 લાખ ઉત્પાદનમાં, 387.18 લાખ વેપાર અને 362.22 લાખ અન્ય સેવાઓમાં તેમજ 0.07 લાખ નોન-કેપ્ટિવ ઈલેક્ટ્રિસીટી જનરેશન એન્ડ ટ્રાન્સમિશનમાં)નું સર્જન કરે છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સંખ્યામાં એમએસએમઈ હોવાનું અનુમાન છે, જે દેશના કુલ એમએસએમઈમાં 14.20 ટકા હિસ્સો નોધાવે છે. પશ્ચિમ બંગાળ ફરી અત્યંત નજીકના બીજા ક્રમે 14 ટકા હિસ્સા સાથે છે. ટોચનાં દસ રાજ્યોનો કુલ અંદાજિત એમએસએમઈની સંખ્યામાં 74.05 ટકા હિસ્સો છે.
જાતિના આધારે વહેંચણીથી સમગ્ર ચિત્ર જોઈ શકાય છે. તમામ એમએસએમઈ એકમોમાંથી આશરે 66 ટકા એકમો અનુસૂચિત જાતિ (12.5 ટકા), અનુસૂચિત જનજાતિ (4.1 ટકા) તેમજ અન્ય પછાત વર્ગો (49.7ટકા) ધરાવે છે. તમામ એકમોના કર્મચારીઓનો ગુણોત્તર બહોળાપાયે જોઈએ તો આશરે 80 ટકા પુરુષો અને 20 ટકા મહિલાઓ છે.
ભૌગોલિક દ્રષ્ટિએ વહેંચણી જોઈએ તો ભારતનાં ફક્ત સાત રાજ્યોમાં કુલ એમએસએમઈ એકમોમાંથી 50 ટકા એકમો આવેલાં છે. તેમાં ઉત્તર પ્રદેશ (14 ટકા), પશ્ચિમ બંગાળ (14 ટકા), તામિલનાડુ (8 ટકા), મહારાષ્ટ્ર (8 ટકા), કર્ણાટક (6 ટકા), બિહાર (5 ટકા) અને આંધ્ર પ્રદેશ (5 ટકા) સામેલ છે..
મે, 2019ના અંતે 68.25 લાખ એમએસએમઈ ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ (યુએએમ) ઉપર નોંધણી ધરાવતાં હતાં.
કોવિડ-19 અને એમએસએમઈ એકમો
તાજેતરમાં કરાયેલા 5,000 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (એમએસએમઈ)ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે તેમાથી 71 ટકા એકમો ભારતમાં કોવિડ-19ને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને પગલે માર્ચ, 2020માં તેમના કામદારોને પગાર ચૂકવી શક્યાં નથી. સરકારે એમએસએમઈ ક્ષેત્ર માટે જાહેર કરેલું રાહત પેકેજ હજુ એકમો સુધી પહોંચ્યું નથી.
ભારતમાં કોવિડ-19ને કારણે લાદવામાં આવેલા લોકડાઉનનો સૌથી મોટો ફકટો કદાચ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં એકમો (એમએસએમઈ) ઉપર પડ્યો છે. હાલમાં આ ક્ષેત્ર 11.4 કરોડ લોકોને રોજગાર આપે છે અને દેશની જીડીપી (કુલ ઘરેલુ ઉત્પાદન)માં 30 ટકા યોગદાન આપે છે. ઉપરાંત, દેશમાંથી નિકાસ થતાં અડધો અડધ માલસામાન અને સેવાઓ આ ક્ષેત્રમાંથી નોંધાય છે. પુરવઠા-સાંકળ ગંભીરપણે ખોરવાઈ ગઈ ગઈ હોવાથી ખાસ કરીને એવા ઉદ્યોગો, જે ઉત્પાદન નથી કરતા અથવા આવશ્યક સેવાઓ પૂરી પાડતા નથી, તેમને સરકારની માર્ગદર્શિકા અનુસાર લોકડાઉન દરમ્યાન કામદારોને કપાત વિના વેતન ચૂકવણી કરવાનું અસંભવ જણાય છે.
ઓલ ઈન્ડિયા મેન્યુફેક્ચરર્સ ઓર્ગેનાઈઝેશન (એઆઈએમઓ)એ તાજેતરમાં હાથ ધરેલા 5000 એમએસએમઈના સર્વેક્ષણમાં જાણવામાં મળ્યું કે તેમાંથી 71 ટકા એકમો માર્ચ મહિનામાં પોતાના કર્મચારીઓને પગાર આપી શક્યા નથી. દેશભરમાંથી મેળેલા અહેવાલોએ આ એકમો મૂડી માટેની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા અસમર્થ હોવા અંગે આ જ પ્રકારની ચેતવણી દર્શાવે છે.
નાનાં પ્રત્યેક ત્રણમાંથી એક એકમ બંધ થવાને આરે પહોંચ્યું હોવાનું સર્વે જણાવે છે. સર્વેક્ષણમાં 35 ટકા એમએસએમઈ તેમજ 37 ટકા સ્વ-રોજગાર મેળવતા ઉત્તરદાતાઓએ જણાવ્યું કે તેમનાં એકમો ફરી બેઠાં થઈ શકે - કાર્યાન્વિત થઈ શકે તેમ જ નથી. 32 ટકા એમએસએમઈએ કહ્યું કે તેમને કામકાજ ફરી પાટે ચડાવતાં છ મહિના લાગશે.
અસંગઠિત ક્ષેત્રને કારણે એમએસએમઈને અવરોધો
એમએસએમઈ ક્ષેત્રે બંને રીતે અનૌપચારિકતા પ્રવર્તમાન છે - બિઝનેસના પ્રકારની રીતે તેમજ એકમો અને કામદારો વચ્ચેનાં સંબંધ બાબતે. બાંધકામ સિવાયનાં બિન-કૃષિ એકમોના અસંગઠિત ક્ષેત્ર (નહીં નોંધાયેલાં એકમો)માં આવાં અનૌપચારિક એટલે કે નોંધણી વિનાનાં - અસંગઠિત એકમોની સંખ્યા 99.7 ટકા છે.
એ નોંધવું પણ પ્રસ્તુત છે કે અસંગઠિત ક્ષેત્રનાં એકમોમાંથી 84.17 ટકા એકમો માલિક દ્વારા સંચાલિત અથવા સ્વ-રોજગાર આધારિત કંપનીઓ છે (જે ઘરગથ્થુનાં એકમનાં લક્ષણો ધરાવે છે) અને તે પછી મહત્તમ હિસ્સો પાંચ કામદારોને રોજગાર આપતાં હોય તેવાં સૂક્ષ્મ એકમોનો છે.
આમ, આ બે શ્રેણીઓ દેશમાં અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગોમાં 97.4 ટકા હિસ્સો ધરાવે છે. સરકારનાં વિવિધ સ્ત્રોતો અસંગઠિત ક્ષેત્રે રોજગારનાં વિવિધ આંકડા ટાંકે છે - જોકે, તેઓ એ વાતે સંમત છે કે તે સતત 90 ટકા ગુણથી આગળ વધે છે.
એકમો અને કામદારો વચ્ચે ગોઠવણોના સંદર્ભે રોજગારની શરતો આઘાતજનક હોય છે. છેલ્લે કરાયેલા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (2017-18)માં નોંધાયું છે કે બિન-કૃષિ ક્ષેત્રમાં નિયમિત વેતન કે પગાર મેળવતા કર્મચારીઓમાંથી પણ 71.1 ટકા કર્મચારીઓ પાસે રોજગારનો લેખિત કરાર નથી હોતો, 54 ટકા કર્મચારીઓ ચાલુ પગારે રજા ભોગવી શકતા નથી અને 49.6 ટકા કર્મચારીઓ સામાજિક સુરક્ષાના લાભ મેળવી શકતા નથી.
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ)એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મોટા પાયે અસંગઠિત ક્ષેત્રો ધરાવતાં અર્થતંત્રોએ આવાં ક્ષેત્રોમાં કામદારોએ પાસે આવક ઉપાર્જનનો અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી તેમની સમસ્યાઓને કેવી રીતે ધ્યાન ઉપર લેવી અને કેવાં પગલાં લેવાં. આ કામદારોને લોકડાઉનનાં પગલાંની સીધી અસર થાય છે અને તેમાંયે સ્વ-રોજગાર મેળવતા લોકો, ફેરિયા, પાથરણાંવાળા, બાંધકામ, પરિવહન અને ઘરગથ્થુ કામકાજ કરનારા લોકો જેવા કામદારો ઉપર સૌથી ખરાબ અસર થાય છે.
એમએસએમઈ ક્ષેત્ર માટે આર્થિક પ્રોત્સાહન પેકેજ
નાનાં અને મધ્યમ એકમોને ત્રણ લાખ કરોડની કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન અપાશે, એટલે કે એમએસએમઈ એકમે આ યોજના હેઠળ ધિરાણ - લોન મેળવવા માટે કોઈ પણ પ્રકારનું કોલેટરલ કે ગેરંટી ચૂકવવી પડશે નહીં. તેમણે પહેલા વર્ષે લોનની મૂળ રકમમાંથી કોઈ રકમની ચૂકવણી પણ કરવાની જરૂર નથી. લોનનો સમયગાળો ચાર વર્ષનો રહેશે. આ રાહતને પગલે 45 લાખ એકમોને તેમનાં વેપારની ગતિવિધિઓ ચાલુ કરવા સહાય મળશે અને રોજગાર સુરક્ષિત થશે, એમ નાણાં પ્રધાને જણાવ્યું છે.
ઈક્વિટીની સમસ્યાનો સામનો કરી રહેલા તણાવ હેઠળનાં એમએસએમઈ એકમો માટે રૂા. 20,000 કરોડનાં સબોર્ડિનેટેડ ડેટ - ગૌણ ધિરાણોની જાહેરાત કરાઈ છે. તેનાથી પરત નહીં મળેલાં લેણાં (એનપીએ)ની સમસ્યામાંથી પસાર થઈ રહેલાં અથવા તો આર્થિક રીતે ખેંચમાં હોય તેવાં એમએસએમઈ એકમોને કાર્યરત કરવામાં મદદ મળશે. આ શ્રેણી હેઠળ આશરે બે લાખ એમએસએમઈ યોગ્યતા ધરાવે છે. એમએસએમઈને ઈક્વિટી લાવવા માટે અપાતાં ધિરાણો સામે સરકાર બેન્કો કે પ્રમોટર્સને રૂા. 4,000 કરોડની અંશતઃ ક્રેડિટ ગેરંટી સહાય આપશે.
એમએસએમઈ એકમોમાં ઈક્વિટી - તરલતા લાવવા સરકારે રૂા. 50,000 કરોડ ફંડ ઓફ ફંડ પેટે આપશે. તેનાથી એમએસએમઈ એકમોને ક્ષમતા વિસ્તરણ તેમજ શૅરબજારમાં લિસ્ટિંગના હેતુ માટે મોટી સહાય મળશે. આ સહાય સારી કામગીરી દર્શાવતાં તેમજ વિસ્તરણની તકનો લાભ લઈ શકે તેવાં એમએસએમઈ એકમોને આવરી લેશે.
એમએસએમઈને મળતા લાભ ઓછા કર્યા વિના, એમએસએમઈ એકમોને વધુ વિકાસ માટે પ્રોત્સાહિત કરવા એમએસએમઈની વ્યાખ્યા બદલવામાં આવી રહી છે. એમએસએમઈમાં દર્શાવાયેલી રોકાણની મર્યાદા વધારવામાં આવી રહી છે, તે સાથે એમએસએમઈની વ્યાખ્યા મુજબના ટર્નઓવરનો માપદંડ પણ ઊંચો કરવામાં આવી રહ્યો છે. આ સુધારા ઉપરાંત, ઉત્પાદન અને સેવા એમએસએમઈ વચ્ચેનો તફાવત દૂર કરવામાં આવી રહ્યો છે.
ઉત્પાદન અને સેવા - બંને ક્ષેત્રોમાં સૂક્ષ્મ એકમો માટે રોકાણની મર્યાદા અનુક્રમે રૂા. 25 લાખ અને રૂા. 10 લાખથી વધારીને રૂા. એક કરોડ તેમજ મહત્તમ ટર્નઓવર રૂા. પાંચ કરોડ કરવામાં આવશે. તે જ રીતે, બંને ક્ષેત્રોનાં નાનાં એકમો માટે રોકાણની મર્યાદા અનુક્રમે રૂા. પાંચ કરોડ અને બે કરોડથી વધારીને રૂા. 10 કરોડ તેમજ મહત્તમ ટર્નઓવર રૂા. 50 કરોડ કરાયું છે. ઉત્પાદન અને સેવા ક્ષેત્રનાં મધ્યમ કદનાં એકમો માટે રોકાણની મર્યાદા અનક્રમે રૂા. 10 કરોડ અને પાંચ કરોડથી વધારીને રૂા. 20 કરોડ તેમજ મહત્તમ ટર્નઓવર રૂા. 100 કરોડ કરાયું છે.
સરકારી પ્રાપ્તિનાં રૂા. 200 કરોડ સુધીનાં ટેન્ડરોમાં હવે ફક્ત વૈશ્વિક ખેલાડીઓ જ નહીં, પરંતુ એમએસએમઈને પણ સ્પર્ધાની તક મળશે. સરકારે કહ્યું છે કે આ જોગવાઈ લાગુ કરવા માટે તે જનરલ ફાયનાન્સિયલ રૂલ્સમાં જરૂરી સુધારા કરશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સ્વ-નિર્ભર ભારતના નિર્માણની દિશામાં આ મહત્ત્વનું પગલું છે. કોવિડ બાદ વેપાર મેળાઓ યોજવા મુશ્કેલ હોવાથી એમએસએમઈને ઈ-લિન્કેજ બજાર ઉપલબ્ધ બનાવાઈ રહ્યાં છે. આ ઉપરાંત, સરકારે એમએસએમઈ એકમોને પોતે ચૂકવવાનાં બાકી તમામ નાણાં આગામી 45 દિવસોમાં ચૂકવી દેવાનું વચન આપ્યું છે.
તત્કાળ ધિરાણ સહાય યોજના
તત્કાળ ધિરાણ સહાય યોજના - ઈમર્જન્સી ક્રેડિટ લાઈન સ્કીમ હેઠળ જાહેર ક્ષેત્રની બેન્કોએ એમએસએમઈને રૂા. 12,201 કરોડ લોન પેટે આપ્યાં છે. 21મી મે, 2020ના રોજ કેબિનેટે એમએસએમઈ ક્ષેત્ર માટે ઈસીએલજીએસ દ્વારા 9.25 ટકાના રાહત દરે રૂા. ત્રણ લાખ કરોડનાં વધારાનાં ભંડોળને મંજૂરી આપી હતી.
પાંચમી જૂન સુધીમાં સરકાર હસ્તકની બેન્કોએ રૂા. 17,706 કરોડની કોલેટરલ-ફ્રી લોન તત્કાળ ધિરાણ સહાય યોજના હેઠળ આપી હોવાનું નાણાં મંત્રાલયના આંકડા જણાવે છે. આ આંકડા અનુસાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા અને કેનેરા બેન્કે સૌથી વધુ ઈસીએલજીએસ લોન મંજૂર કરી છે.
બેન્કવાર જોઈએ તો, ટ્વીટ ઉપર ઉપલબ્ધ ટેબલ મુજબ, સૌથી વધુ મંજૂરીઓ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ રૂા. 13,363 કરોડની લોન માટે આપી છે, જ્યારે નવમી જૂન સુધીમાં રૂા. 7,517 કરોડનાં ધિરાણો ચુકવાયાં છે.
તે પછી સૌથી વધુ ધિરાણ આપનારી ત્રીજી બેન્ક - બેન્ક ઓફ બરોડાએ રૂા. 1,893 કરોડનાં ધિરાણો મંજૂર કર્યાં છે, પરંતુ રૂા. 526 કરોડનાં ધિરાણો ચૂકવ્યાં છે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનો ચૂકવણીનો દર વધુ સારો હતો. મુંબઈ-સ્થિત આ બેન્કે રૂા. 1842 કરોડની મંજૂરી સામે રૂા. 794 કરોડનાં ધિરાણો ચૂકવ્યાં છે.
ખરી સમસ્યાઓ માહિતી ઓળખવામાં છે
એમએસએમઈ એકમો અને તેમના કામદારોની પ્રોફાઈલની વિગતવાર માહિતીના અભાવે આ કટોકટીની સ્થિતિમાં લક્ષિત રાહત પહોંચાડવામાં ભારે સમસ્યાઓ નડી રહી છે. આ ક્ષેત્ર માટે છેલ્લાં 13 વર્ષથી સમર્પિત ગણતરી કરાઈ નથી. ભારતીય એમએસએમઈની ચોથી અને છેલ્લી ગણના છેક વર્ષ 2006-07માં કરાઈ હતી - આ એકમોને લગતી માહિતી અત્યારે ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ (યુએએમ), એમએસએમઈ ડેટાબેન્ક તેમજ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ નેટવર્ક (જીએસટીએન) જેવાં ડેટાસેટ્સમાં વિખેરાયેલી પડી હોવાનું કહેવાય છે.
પહેલા બે ડેટા સેટ્સમાં એકમો દ્વારા અપાયેલી સ્વ-પ્રમાણિત, સ્વૈચ્છિક માહિતી છે, જે તેમણે આ પોર્ટલ્સ ઉપર રજિસ્ટર થવા માટે આપી હતી, જ્યારે જીએસટીએન એક ફરજિયાત જરૂરિયાત છે, જેમાં ફક્ત રૂા. 40 લાખથી વધુ ટર્નઓવર ધરાવતાં એકમોએ જ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. એમએસએમઈ બાબતે આરબીઆઈની નિષ્ણાત સમિતિએ પણ જૂન, 2019માં નોંધ્યું હતું કે અર્થતંત્રના આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર વિશે વિશ્વસનીય (અને સુધારેલી) માહિતીનો અભાવ છે.
સરકાર જો સૂક્ષ્મ એકમોના કામદારોને સીધી સહાય પહોંચાડવાનું નક્કી કરે અથવા તો સ્વ-રોજગાર મેળવનાર માલિક દ્વારા સંચાલિત એકમો માટે રાહતનાં પગલાંની અલગ જાહેરાત કરવા ઈચ્છે તો તેણે સૌપહેલાં સહાય લક્ષિત વર્ગ સુધી પહોંચશે કે નહીં તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે. વાયરસનું પ્રસરણ ક્યારે અટકાવી શકાશે અને લોકડાઉનમાંથી ક્યારે પૂર્ણ મુક્તિ મળશે તે કળી શકાય તેમ નથી, ત્યારે એ વાત સ્પષ્ટ છે કે હાલમાં જે ઉપલબ્ધ છે તે જ માળખાં અને વ્યવસ્થાતંત્રોને આધારે એમએસએમઈ એકમોને ઓળખવાં પડશે અને રાહતનાં પગલાં લેવાં પડશે. આમાંના કેટલાંક પગલાંની અહીં ટૂંકમાં ચર્ચા કરવામાં આવી છે.
અસંગઠિત ક્ષેત્ર માટે કાયમી સહાયનું માળખું
એ નોંધવું જરૂરી છે કે મોટાં એકમો માટે કર કપાત જરૂરી હોવા છતાં, આવક વેરો ચૂકવવા માટે અથવા તો જીએસટી હેઠળ નોંધણી કરવા માટે રોજગાર અને ટર્નઓવરની આવશ્યક લઘુતમ સીમાને પહોંચી વળતાં ન હોય તેવાં અસંગઠિત ક્ષેત્રનાં એકમોને બાકાત રખાશે.
અસંગઠિત ક્ષેત્રના કામદારો તેમજ પાંચથી 10 કામદારો હોય તેવાં અતિ સૂક્ષ્મ એકમો માટેની રાહત એ રીતે લક્ષિત કરવી પડશે, જેથી એ સહાય તેમના સુધી સમયસર પહોંચે, જેથી તેમનાં જીવન અને આજીવિકા ઉગારી શકાય. ભારતમાં વેપાર સંગઠનો અને અન્ય શ્રમ બજારની સંસ્થાઓ આવાં એકમો અને કાદારોને ઓળખવા માટે મદદરૂપ બની શકે છે અને તેમને પ્રોત્સાહિત કરવાં જોઈએ. સરકારે ઉત્પાદન અને છૂટક વેપારનાં સંગઠનો સાથે સહયોગ સાધીને તેમણે પોતાનાં સભ્ય એકમો માટે હાથ ધરી રહેલાં સર્વેક્ષણોનાં તારણો પ્રત્યે ધ્યાન આપવું જોઈએ.
અસંગઠિત ક્ષેત્રને સાહય કરતાં કાયમી માળખાંની ઘણા લાંબા સમયથી જરૂર છે અને એવી આશા છે કે કોવિડ-19ની કટોકટીમાંથી બહાર આવ્યા પછી તાત્કાલિક આવું માળખું સ્થપાશે. હાલમાં તો એ વાત સ્પષ્ટ છે કે નાણાં એક ખરો પડકાર નથી, લક્ષિત અસરગ્રસ્ત જૂથને સીધી સહાયનું આદર્શ તંત્ર પસંદ કરવું, તે ખરેખર પડકારજનક બનશે.