ઉત્તર પ્રદેશઃ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ અયોધ્યામાં સુન્ની વકફ બોર્ડને જે 5 એકર જમીન મળી છે, તેના પર મસ્જિદ નિર્માણની તૈયારી શરૂ થઈ ગઈ છે. વકફ બોર્ડ દ્વારા મસ્જિદના નિર્માણ માટે ટ્રસ્ટની રચના બાદ હવે તેનો લોગો જારી કરવામાં આવ્યો છે. ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટે રવિવારે તેનો સત્તાવાર લોગો બહાર પાડ્યો છે.
અયોધ્યામાં જમીન વિવાદના નિર્ણય બાદ મુસ્લિમ પક્ષને વિવાદિત જમીનથી દૂર ધન્નીપુરમાં મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન મળી છે. ધન્નીપુરમાં મસ્જિદ નિર્માણ ટ્રસ્ટ હોસ્પિટલ, સંશોધન કેન્દ્ર, પુસ્તકાલય, સમુદાય રસોડું અને અયોધ્યાના લોકોના વિકાસ સાથે સંકળાયેલી અનેક ઇમારતોના નિર્માણની રચના કરી રહ્યું છે. 15 સભ્યોના આ ટ્રસ્ટમાં 9 સભ્યોના નામની ઘોષણા કરવામાં આવી છે. જો કે, 6 સભ્યોના નામની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી.
ઈન્ડો ઇસ્લામિક કલ્ચરલ ટ્રસ્ટના પ્રવક્તા અતહર હુસેને કહ્યું કે, આ લોગો ઈન્ડો-ઇસ્લામિક સ્થાપત્યનો ભાગ છે અને હુમાયુ મકબરામાં ઘણા સ્થળોએ આ પ્રતિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અતહર હુસેને કહ્યું કે, અરબી સુલેખનમાં આ પ્રતિક કોઈ પ્રકરણના અંત પછી પણ વપરાય છે.