નવી દિલ્હીઃ પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવા (જેયુડી)ના વડા હાફિઝ સઈદને સાડા પાંચ વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે સઈદને બે આતંકી ફંડીગ કેસમાં કુલ 11 વર્ષની સજા અને 15 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. બંને કેસ એક સાથે ચાલશે, જેથી સજા સાડા પાંચ વર્ષમાં પૂર્ણ થશે. ભારત સરકારના સૂત્રોએ આ વિકાસ અંગે પ્રતિક્રિયા આપી છે.
ભારત સરકારના જણાવાનુસાર, "અમે મીડિયા રિપોર્ટ જોયા છે. પાકિસ્તાની અદાલતે આતંકી ફંડિગ મામલે સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્વિક આંતકી જાહેર કરેલા હાફિઝ સઈદને સજા સંભળાવી છે. આ કાર્ય પાકિસ્તાનનું આતંરરાષ્ટ્રીય દાયિત્વ છે. જેથી આતંકવાદને મળતા સમર્થનને ખતમ કરવામાં આવે."
મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાનનો નિર્ણય ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની પૂર્ણ બેઠકની પૂર્વ સંધ્યાએ લેવામાં આવ્યો હતો, ત્યારે તેની અસર અન્ય નિર્ણય પર વર્તાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.