હૈદ્રાબાદ: હાલમાં લોકડાઉનના કારણે જળ અને વાયુ પ્રદૂષણમાં થોડો સુધારો દેખાયો ખરો, પણ હાલમાં વરસાદ આવ્યો ત્યારે પાણીના પ્રવાહમાં ચૂપચાપ ગંદા પદાર્થો પણ વહાવી દેવાયાની વાત બહાર આવી છે. તેના કારણે તળાવોની આસપાસના વિસ્તારમાં ભારે બદબૂ ફેલાઇ ગઈ છે. હુસૈન સાગર સહિતના તળાવોમાં ટનબંધ રાસાયણિક ગંદુ પાણી ભળી રહ્યું છે. સરકારે સ્વચ્છતાના નામે તેની પાછળ 400 કરોડ રૂપિયા વેડફી નાખ્યા છે.
જળ પ્રવાહો પર ગેરકાયદે દબાણો અને બાંધકામો થઈ ગયા અને સત્તાધીશો સૂતા રહ્યા તેવી ટીકા તેલંગાણા હાઈકોર્ટે કરી છે. જાન્યુઆરીમાં જ કોર્ટે ટીકાના સ્વરમાં કહે વું પડ્યું હતું કે શું સરકાર હૈદરાબાદને જૈસલમેરમાં બદલી નાખવા માગે છે! તે પછીના જ મહિને મુનેરુ વેગુ તળાવમાં સેંકડો બતકોના મોત થયા ત્યારે ભારે ઉહાપોહ થયો હતો.
ક્લોરોમિથેન સહિતના કેમિકલ વેસ્ટને કારણે થઈ રહેલા પ્રદૂષણના લેખો ભૂતકાળમાં પણ છપાતા રહ્યા છે. ગંડીગુન્ડેમ અને ગડ્ડી પોટારામ પેડ્ડા ચેવુરુ સહિતના સરોવરોમાં મોટા પાયે માછલીઓ મરી ગઈ તેના કારણે આવી સ્થિતિ આવી હતી. સ્થળ પર તપાસ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે હજીય સ્થિતિમાં કોઈ સુધારો થયેલો લાગતો નથી.
આ કોઈ એક પ્રદેશ કે અમુક રાજ્યોની જ સમસ્યા નથી. વોટર એઇડ સંસ્થાએ કરેલા અભ્યાસ અનુસાર દેશના 80 ટકા જળસ્રોતો પ્રદૂષિત થઈ ગયા છે. તેના પરથી જ સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવે છે. 1960ના દાયકામાં બેંગાલુરુ શહેરમાં 260થી વધુ તળાવો લહેરાતા હતા. આજે માત્ર 10 તળાવો બચ્યા છે. અમદાવાદ શહેરમાં બે દાયકા પહેલાં 137 તળાવો હતા. 2012 સુધીમાં દબાણો અને ગેરકાયદે બાંધકામને કારણે તેમાંથી અડધોઅડધ ગાયબ થઈ ગયા છે. એવો અંદાજ છે કે છેલ્લા 12 વર્ષમાં શહેરના જળસ્રોતનો 3200 હેક્ટર્સ જેટલો વિસ્તાર ગાયબ થઈ ગયો છે. છ દાયકામાં બિહારના પટણા જિલ્લાના 800 તળાવો અને સરોવરો બૂરી દેવામાં આવ્યા છે. કેરળમાં પણ જળાસિરી કહેવાતા જળસ્ત્રોતોમાંથી 73 ટકા પ્રદૂષિત થઈ ગયા છે.
તળાવો બૂરાતા જાય છે અને જે વધ્યા છે તેમાં પણ ટ્રીટમેન્ટ કર્યા વિનાનું જ ઉદ્યોગોનું ગંદું પાણી નાખી દેવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાન્યસના પ્રોફેસર ડૉ. રામચંદ્ર પ્રભુપાદ અને અન્યો ચેતવણી આપે છે જો તાત્કાલિક સુધારા માટેના ઉપાયો ના કરવામાં આવ્યા તો દેશ તેનો મર્યાદિત જળસ્રોત ગુમાવશે. આ ચેતવણીને સરકારો હવે અવગણી શકે તેમ નથી.
નીતિ આયોગે જણાવ્યું છે કે દેશમાં અત્યારે 60 કરોડ જેટલા લોકોને પાણીની તંગી નડી રહી છે. 75 ટકા જેટલા જળસ્રોતો પ્રદૂષિત થઈ ગયા હોવાથી દર વર્ષે બે લાખ લોકો જીવ ગુમાવતા હોવાનો અંદાજ છે. વિજ્ઞાન ઘણા ચમત્કારો કરી છે, પણ મનુષ્ય પાણી પેદા કરી શકે તેમ નથી. કુદરત આપે છે તે જળના એક એક ટીપાંનો ઉપયોગ કરવાનો છે ત્યારે તેને યોગ્ય રીતે વાપરવું જોઈએ, તેનો બગાડ કરવો જોઈએ નહિ અને જળસ્ત્રોતોને પ્રદૂષિત કરવા જોઈએ નહિ.
જળને પ્રદૂષિત કરવું તે કંઈ આત્મહત્યાથી ઓછું નથી. જીવન માટે સૌથી અગત્યના જળને પ્રદૂષિત કરવું એ ગંભીર ગુનો છે અને તેના માટે આકરામાં આકરી સજા થવી જોઈએ. કેન્દ્ર અને રાજ્યની સરકારો નિયમોમાં સુધારા ના લાવે અને જળ વ્યવસ્થાપનને મજબૂત નહિ બનાવે ત્યાં સુધી લોકોના જીવનમાં સુખાકારી આવવાની નથી.