ભારતની બંધારણ સભાના પ્રથમ વચગાળાના પ્રમુખની વાત
આપણા દેશનો ઇતિહાસ ગતિશીલ રહ્યો છે અને તે 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભા ઘડાઈ તેની સાથે જાણીતી અને અજાણી ઘટનાઓનો સંચય છે. આપણામાંના ઘણાને ખબર નહીં હોય કે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પ્રમુખ તરીકે ચૂંટાયા તે પહેલાં ડૉ. સચ્ચિદાનંદન સિંહા બંધારણ સભાના વચગાળાના પ્રમુખ તરીકે કૉંગ્રેસ પ્રમુખ આચાર્ય જે. બી. કૃપલાણી દ્વારા ચૂંટાયા હતા.
પટના: આપણા દેશનો ઇતિહાસ ગતિશીલ રહ્યો છે અને તે ૯ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ બંધારણ સભા ઘડાઈ તેની સાથે જાણીતી અને અજાણી ઘટનાઓનો સંચય છે. આપણામાંના ઘણાને ખબર નહીં હોય કે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પ્રમુખ તરીકે ચૂંટાયા તે પહેલાં ડૉ. સચ્ચિદાનંદન સિંહા બંધારણ સભાના વચગાળાના પ્રમુખ તરીકે કોંગ્રેસ પ્રમુખ આચાર્ય જે. બી. કૃપલાણી દ્વારા ચૂંટાયા હતા. ૯ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ ભારતની બંધારણ સભાના વચગાળાના પ્રમુખ તરીકે સિંહાનું નામ ૯ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ જાહેર કરાયું હતું અને અપ્રત્યક્ષ ચૂંટણી પછી ૧૧ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમનું સ્થાન લીધું હતું.
શરૂઆતનું જીવન
ડૉ. સચ્ચિદાનંદ સિંહાનો જન્મ ૧૦ નવેમ્બર ૧૮૭૧ના રોજ બક્સરના મહર્ષિ વિશ્વામિત્રના મુરાર ગામમાં થયો હતો. ડૉ. સિંહાના પિતા બક્ષી શિવપ્રસાદ સિંહા દુમરાંવ મહારાજના મુખ્ય તહસીલદાર (મામલતદાર) હતા. ડૉ. સિંહાનું પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં જ થયું હતું. ૨૬ ડિસેમ્બર ૧૮૮૯ના રોજ, અઢાર વર્ષની ઉંમરે તેઓ કાયદાનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા હતા. સિંહાએ વકીલ તરીકે કલકત્તા (આજનું કોલકાતા) ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાતની શરૂઆત ૧૮૯૩માં કરી હતી. તે પછી તેમણે અલ્હાબાદ (આજનું પ્રયાગરાજ) ઉચ્ચ ન્યાયાલયમાં દસ વર્ષ સુધી વકીલાત કરી હતી. દરમિયાનમાં, તેમણે અનેક વર્ષો સુધી ઇન્ડિયન પીપલ્સ અને હિન્દુસ્તાન રિવ્યૂ સમાચારપત્રોનું સંપાદન પણ કર્યું હતું.
બંધારણ સભાના વચગાળાના પ્રમુખ તરીકે સિંહા
૧૯૪૬માં, બ્રિટિશ સંસદે ભારતની સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી. ૯ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ દેશના દરેક પ્રદેશમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દિલ્હીમાં બંધારણ ખંડમાં એકત્ર થયા. તેમાંના મોટા ભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. જ્યારે બંધારણ સભા શરૂ થઈ તો તે વખતના કૉંગ્રેસ પ્રમુખ આચાર્ય જે. બી. કૃપલાણીએ વચગાળાના પ્રમુખ તરીકે ડૉ. સચ્ચિદાનંદ સિંહાનું નામ સૂચવ્યું અને વચગાળાના પ્રમુખ તરીકે સિંહાના નામ પર સર્વસંમતિ સધાઈ ગઈ. અમેરિકા, ચીન, ઑસ્ટ્રેલિયાની સરકારના વિદેશ મંત્રાલયના જવાબદાર અધિકારીઓ તરફથી શુભેચ્છા સંદેશાઓ વાંચ્યા પછી, સિંહાએ મુક્ત અને સ્વતંત્ર ભારત માટે અનુકૂળ બંધારણ તૈયાર કરવાના હિતમાં વિશ્વની અલગ-અલગ બંધારણીય વ્યવસ્થાઓનો સંદર્ભ કહ્યો અને તેની લાક્ષણિકતાઓ પણ વર્ણવી.
ખુદાબક્ષ પુસ્તકાલય
સચ્ચિદાનંદ સિંહા ન્યાયમૂર્તિ ખુદાબક્ષ ખાનને ૧૮૯૪માં મળ્યા હતા અને અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત વખતે તેમની સાથે જોડાયા હતા. છાપરાના ખુદાબક્ષજીએ ૨૯ ઑક્ટોબર ૧૮૯૧ના રોજ તેમના પુસ્તકાલયની સ્થાપના કરી હતી. તે ભારતનાં સૌથી જૂનાં પુસ્તકાલયો પૈકીનું એક ગણાય છે. જ્યારે ન્યાયમૂર્તિ ખાનની હૈદારાબાદમાં નિઝામના ઉચ્ચ ન્યાયાલયમાં બદલી કરાઈ તો સિંહાએ તે પુસ્તકાલયની જવાબદારી લીધી હતી અને ૧૮૯૪થી ૧૮૯૮ સુધી, તેમણે ખુદાબક્ષ પુસ્તકાલયના સચિવ તરીકે જવાબદારી નિભાવી હતી.
બિહારને બંગાળથી અલગ પાડવાની ઝુંબેશ
બિહારને બંગાળથી અલગ પાડવામાં સચ્ચિદાનંદ સિંહાએ અગત્યની ભૂમિકા નિભાવી. આના માટે તેમણે પત્રકારત્વને તેમનું સૌથી મોટું હથિયાર બનાવ્યું. તે દિવસોમાં, માત્ર ‘બિહાર હેરાલ્ડ’ સમાચારપત્ર હતો. જેના તંત્રી ગુરુપ્રસાદ સેન હતા. ૧૮૯૪માં સચ્ચિદાનંદ સિંહાએ ‘ધ બિહાર ટાઇમ્સ’ નામનું અંગ્રેજી સમાચારપત્ર શરૂ કર્યું. ૧૯૦૬માં તેનું નામ બદલીને ‘બિહારી’ કરી નાખ્યું. મહેશ નારાયણન સાથે સચ્ચિદાનંદ સિંહા આ સમાચારપત્રના તંત્રી તરીકે ઘણાં વર્ષો રહ્યા. આ સમાચારપત્ર દ્વારા તેમણે બિહારના અલગ રાજ્ય માટે ઝુંબેશ ચલાવી. તેમણે હિન્દુઓ અને મુસ્લિમોને ‘બિહાર’ના નામે એક થવા અનુરોધ કર્યો. તેમના સતત પ્રયાસોથી ૧૯ જુલાઈ ૧૯૦૫માં બિહાર બંગાળથી જુદું થયું.
સિંહા પુસ્તકાલય
ડૉ. સચ્ચિદાનંદ સિંહાએ તેમનાં પત્ની સ્વ. રાધિકા સિંહાની સ્મૃતિમાં ૧૯૨૪માં સિંહા પુસ્તકાલયનો પાયો નાખ્યો. ડૉ. સિંહાએ તેની સ્થાપના લોકોના માનસિક, બૌદ્ધિક અને શૈક્ષણિક વિકાસ માટે કરી હતી. ૧૦ માર્ચ ૧૯૨૬ના રોજ આ પુસ્તકાલય ચલાવવા એક ટ્રસ્ટ પણ રચવામાં આવ્યું. આ ટ્રસ્ટના સભ્યોમાં માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ, મુખ્ય પ્રધાન, શિક્ષણ પ્રધાન, પટના યુનિવર્સિટીના ઉપ કુલપતિ, અને તે સમયના અન્ય અનેક મહાનુભાવોને આજીવન સભ્યો બનાવાયા હતા. પુસ્તકાલયના એક કાર્યકર સંજય કુમારે કહ્યું, “ડૉ. સાહેબ લંડનમાં બેરિસ્ટર બનવા માગતા હતા, પરંતુ તેમનાં માતાપિતા તેમને આટલે દૂર મોકલવા માગતા નહોતા. પરંતુ તેઓ જિદ કરીને લંડન ગયા. લંડનથી પાછા ફર્યા પછી સિંહાએ અન્ય લોકોના નાના જૂથ સાથએ બિહારના અલગ રાજ્યની ચળવળ શરૂ કરી.”
૬ માર્ચ ૧૯૫૦
સિંહાજીએ છેલ્લો શ્વાસ ૬ માર્ચ ૧૯૫૦ના બિહારના પટનામાં લીધો. તેઓ તેના થોડા કેટલાક સમય પહેલાંથી જૂના જમાનામાં ડ્રૉપ્સી તરીકે ઓળખાતા રોગથી પીડાઈ રહ્યા હતા. ડૉ. રાજેન્દ્રપ્રસાદે તેમના મૃત્યુના થોડા દિવસો પહેલાં જ તેમનું અને તેમનાં પત્ની સ્વ. શ્રીમતી રાધિકાસિંહાના ચિત્રનું અનાવરણ કર્યું હતું અને પટનામાં તેમની ત્રણ દિવસીય મુલાકાતમાં બે વખત તેમને મળ્યા હતા. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે ડૉ. સિંહા “મહાન બુદ્ધિજીવી અને આધુનિક બિહારના પિતા હતા.”