ન્યૂઝ ડેસ્ક: કોરોના વાઇરસની મહામારીથી સૌથી વધુ પ્રભાવિત થનારા ઉદ્યોગોમાં ભારતીય ઉડ્ડયન ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે. આરંભમાં તો આ મહામારીની અસર ફક્ત આંતરરાષ્ટ્રીય પ્રવાસીના ટ્રાફિક ઉપર જ જોવા મળી હતી. ઇન્ટરનેશનલ પ્રવાસીના ટ્રાફિકમાં જાન્યુઆરી-2019માં નોંધાયેલા 5.7 ટકાના વધારાની તુલનાએ જાન્યુઆરી-2020માં આ વધારો ફક્ત 0.2 ટકા જ નોંધાયો હતો. સરકારે દેશના સાત મોટા એરપોર્ટ ઉપર ચીન અને હોંગકોંગથી આવતા પ્રવાસીનું સ્ક્રિનિંગ શરૂ કરી દીધું હતું. જો કે, આ મહિના દરમિયાન ડોમેસ્ટિક પ્રવાસીના ટ્રાફિકમાં કોઇ ઘટાડો થયો નહોતો.
ડોમેસ્ટિક પ્રવાસીનો ટ્રાફિક યથાવત રહ્યો હતો અને ફેબ્રુઆરી-2020માં તેમાં 9.8 ટકાનો વધારો નોંધાયો હતો. તે મહિના દરમિયાન ડોમેસ્ટિક પ્રવાસીના ટ્રાફિકમાં ત્રણ ગણો વધારો નોંધાયો હતો, જ્યારે ઇન્ટરનેશનલ પ્રવાસીના ટ્રાફિકમાં 3.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ટરનેશનલ પ્રવાસીના ટ્રાફિકમાં એપ્રિલ 2002થી આજદિન સુધીનો તે સૌથી મોટો ઘટાડો હતો. ફેબ્રુઆરીના મધ્યથી બ્યુરો ઓફ ઇમિગ્રેશન દ્વારા કોવિડ-19થી પ્રભાવિત દેશોમાંથી ભારતના પ્રવાસ માટે પ્રતિબંધો દર્શાવતી એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી.
6 માર્ચ-2020 સુધીમાં તો સરકારે દેશના 30 જુદા જુદા એરપોર્ટ ઉપર આવતાં તમામ ઇન્ટરનેશનલ પ્રવાસીનું સ્ક્રિનિંગ શરૂ કરી દીધું હતું. 22 માર્ચ-2020થી તો નિર્ધારિત કાર્યક્રમ ધરાવતી તમામ કોમર્સિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ સામે ભારતની ભૂમિ ઉપર ઉતરવાનો પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. ફેબ્રુઆરી-2017થી એરપોર્ટ ઉપર દર મહિને 50 લાખ ઇન્ટરનેશનલ પ્રવાસીની ટ્રાફિક નોંધાઇ હતી. માર્ચ-2020માં ઇન્ટરનેશનલ પ્રવાસીના ટ્રાફિકમાં 56.2 ટકા એટલે કે 26 લાખ પ્રવાસીનો ઘટાડો નોંધાયો હતો.
કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવવાની તિવ્રતા અને ભયના પગલે કેન્દ્ર સરકારે 24 માર્ચ-2020ના રોજ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. 24 માર્ચ-2020થી તમામ ડોમેસ્ટિક શિડ્યુલ્ડ કોમર્સિયલ ફ્લાઇટના કામકાજ ઠપ થઇ ગયા હતા. ઓક્ટોબર-2017થી ડોમેસ્ટિક પ્રવાસીનો ટ્રાફિક દર મહિને 2 કરોડ પ્રવાસીનો નોંધાયો હતો, પરંતુ માર્ચ-2020 દરમિયાન ડોમેસ્ટિક પ્રવાસીનો ટ્રાફિક પણ 32.9 ટકા એટલે કે 1.5 કરોડ પ્રવાસી ઘટી ગયો હતો.
એપ્રિલ-2020ના મહિના દરમિયાન ડોમેસ્ટિક પ્રવાસીનો ટ્રાફિક 100 ટકા ઘટી ગયો હતો, જ્યારે ઇન્ટરનેશનલ પ્રવાસીના ટ્રાફિકમાં પણ 99.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
7મે ના રોજ ભારત સરકારે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવા અને ભારતમાં અટવાઇ ગયેલા ભારતીયોને વિદેશોમાં મોકલવા વંદે ભારત મિશન શરૂ કર્યું હતું. સમગ્ર મે મહિના દરમિયાન વંદે ભારત મિશનનો 2 તબક્કામાં અમલ કરાયો હતો. વંદે ભારત મિશનનના 1 અને 2 તબક્કા અંતર્ગત 31 મે 2020ના રોજ 274 ફ્લાઇટની મદદથી 50,989 ભારતીયોને ભારતમાં લવાયા હતા, જ્યારે 276 ફ્લાઇટની મદદથી 13,298 પ્રવાસીને વિદેશોમાં મોકલાયા હતા. એકલાં ભારતે જ નહીં પરંતુ અન્ય દેશોએ પણ પોતાના નાગરિકોને વતનમાં પરત લાવવા વ્યવસ્થા કરી હતી. એક અહેવાલ મુંજબ 8 એપ્રિલ-2020થી અત્યાર સુધીમાં 15000 બ્રિટિશ નાગરિકો યુકે પરત ફર્યા હતા. જો કે, એકલાં યુકે અથવા તો યુએસએ જ નહીં પરંતુ દક્ષિણ આફ્રિકાના દેશો અને દક્ષિણ એશિયાના દેશો તથા દક્ષિણ અમેરિકાના દેશોએ પણ ભારતમાં અટવાઇ ગયેલા પોતાના નાગરિકોને વતન પાછા લાવવાનું શરૂ કરી દીધું હતું. વંદે ભારતના 11 જૂનથી 30 જૂન સુધીના ત્રીજા તબક્કામાં અમેરિકા અને કેનેડામાં અટવાઇ ગયેલા ભારતીયોને 70 ફ્લાઇટની મદદથી ભારત પાછા લાવવામાં આવશે.
પોતાના નાગરિકોને વતનમાં પરત લાવવા માટે શરૂ કરાયેલા આ મિશનને બાદ કરતાં સમગ્ર એપ્રિલ અને મે-2020 દરમિયાન કોઇપણ ઇન્ટરનેશનલ કોમર્સિયલ ફ્લાઇટે ઉડાન ભરી નહોતી અને જૂન-2020 દરમિયાન પણ તેના પૈંડા થંભેલા જ રહેશે એવી શક્યતા રહેલી છે. આજદિન સુધી તો સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્યારે ફરીથી ઉડતી થશે તે અંગેની કોઇ તારીખ જાહેર કરી નથી. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પૂરીએ એમ કહ્યું હતું કે, ભારત ઓગસ્ટ, સપ્ટેમ્બર-2020 પહેલાં ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ ફરીથી શરૂ કરવા પ્રયાસ કરશે. આ જાહેરાતને જોતાં એમ લાગે છે કે, ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 6 માસિક સમયગાળા દરમિયાન પણ ઇન્ટરનેશનલ પ્રવાસીના ટ્રાફિકમાં ઘટાડો જ નોંધાશે.
ડોમેસ્ટિક ફ્લાઇટની વાત કરીએ તો સમગ્ર એપ્રિલ-2020 દરમિયાન અને મે-2020ના મોટાભાગના દિવસો દરમિયાન શિડ્યુલ્ડ કોમર્યલ ફ્લાઇટના ઉડ્ડયન બંધ રહ્યા હતા. 25 મે-2020થી ડોમેસ્ટિક ફ્લાઇટને ધીમે ધીમે કામકાજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અહેવાલ અનુસાર ભારતના એરપોર્ટ ઉપર લોકડાઉન પહેલાં દરરોજ 3000 ડોમેસ્ટિક ફ્લાઇટ લેન્ડ કરતી અને ટેક ઓફ થતી હતી. 25મે ના રોજ ભારતમાં 428 ડોમેસ્ટિક ફ્લાઇટોએ ઉડ્ડયન ભર્યું હતું. 1 જૂન-2020ના રોજ દરરોજના વિમાનોનીં સંખ્યા વધીને 692 નોંધાઇ હતી. 25મેથી દરરોજ દરરોજ 30,000 ડોમેસ્ટિક પ્રવાસી ફ્લાઇટ દ્વારા આવ-જા કરે છે. હવાઇ પ્રવાસી કરનારા લોકોના મોટી સંખ્યામાં આગમનને ટાળવા પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણાને મર્યાદિત સંખ્યામાં ડોમેસ્ટિક ફ્લાઇટની મંજૂરી આપવામાં આવી છે. ડિરેક્ટર જનરલ ઓફ સીવીલ એવિયેશને(DGCA) પોતાની એડવાઇઝરીમાં ડોમેસ્ટિક એરલાઇન્સને શક્ય હોય ત્યાં સુધી વચલી સીટ ખાલી રાખવાની સલાહ આપી છે. આ પરિસ્થિતિને જોતાં સમગ્ર જૂન-2020 દરમિયાન ડોમેસ્ટિક પ્રવાસીના ટ્રાફિકમાં પણ ઘટાડો જ નોંધાશે એવી શક્યતા રહેલી છે. લોકડાઉનના પ્રતિબંધો ધીમે ધીમે હળવા બનતા જશે અને કામકાજ ફરીથી શરુ થશે ત્યારે વર્ષ દરમિયાન ડોમેસ્ટિક પ્રવાસીના ટ્રાફિકમાં ધીમે ધીમે વધારો થશે એવી આશા રાખવામાં આવે છે.