ન્યૂઝ ડેસ્ક: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની હોસ્પિટલમાં લાગેલી આગથી હૃદયદ્વાવક કરુણાંતિકા સર્જાઈ હતી. હોસ્પિટલના નવજાત શીશુ વિભાગમાં આગ લાગી અને 3 મહિનાથી નાની ઉંમરના 10 બાળકોનો ભોગ લેવાઈ ગયો. ગત શનિવારે વહેલી આગ લાગી હતી. ફાયર બ્રિગેડ પહોંચ્યું પણ માત્ર સાત શીશુઓને જ બચાવી શક્યું. ત્રણ બાળકો બળીને રાખ થઈ ગયા, જ્યારે સાત બાળકો ધૂમાડામાં ગુંગળાઈ મર્યા હતા.
બીમાર પડેલા બાળકોની સારવારની આશા સાથે વાલીઓ હોસ્પિટલ આવ્યા હોય અને હોસ્પિટલમાં જ વહાલા સંતાનોને ગુમાવવા પડે તેનાથી વધારે વિતક કોઈ હોઈ શકે નહિ. હોસ્પિટલમાં જ આગ લાગે અને દર્દીઓ ભોગ બને તેવી ઘટના હાલમાં વધી છે. ગત સપ્ટેમ્બરમાં કોલ્હાપુરની સરકારી હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી હતી અને ત્રણનાં મોતથયાં હતાં. ગુજરાતમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલ શ્રેયના કોરોના આઈસીયુમાં 8નો ભોગ લેવાઈ ગયો અને રાજકોટમાં પણ કોરોના હોસ્પિટલમાં જ આગ લાગી અને પાંચ દર્દીઓનો ભોગ લેવાઈ ગયો. વિજયવાડાના સ્વર્ણ પેલેસમાં પણ આગ લાગી અને 10ના જીવ ગયા.
હોસ્પિટલમાં જ્યાં દર્દીઓની કાળજી લેવાની હોય છે ત્યાં આગની બાબતમાં ભારે બેદરકારી જોવા મળી છે. આગ સામે સુરક્ષા વ્યવસ્થાની બેદરકારી છતી થઈ ગઈ. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો નોંધ લઈને ચિંતા વ્યક્ત કરવી પડી હતી. દેશભરમાં ફાયર સેફ્ટી માટે હોસ્પિટલોમાં શું તકેદારી લેવામાં આવી છે તેની તપાસ કરવા માટે અદલાતે આદેશ આપવો પડ્યો હતો. ખાસ તો કોવીડ-19ની સારવારની વ્યવસ્થા હોય તે દરેક હોસ્પિટલમાં આગ પ્રતિરોધક સાધનો છે કે નહિ અને સુરક્ષા અંગેના સર્ટિફિકેટ મેળવાયા છે કે નહિ તે તપાસ કરવા માટે દરેક જિલ્લામાં નોડલ ઓફિસર મૂકવા જણાવાયું હતું.
અખબારી અહેવાલોમાં ચિંતા વ્યક્ત થતી રહી છે કે દેશમાં સંખ્યાબંધ હોસ્પિટલોમાં આગ સામે બચાવ માટેની કોઈ પણ જાતની વ્યવસ્થા વિના કામ ચાલી રહ્યું છે. ફાયર વિભાગ તરફથી સુરક્ષા માટેનું એનઓસી લેવાની પરવા પણ મોટા ભાગની હોસ્પિટલ કરતી નથી. ફાયર માટેની એનઓસી આપવામાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ છે અને તપાસ વિના જ સર્ટિફિકેટ આપી દેવાય છે.
હોસ્પિટલના સંચાલકો પણ આગ પ્રતિરોધક બાબતો માટે કોઈ કાળજી લેવાની પરવા કરતા નથી. સુરક્ષાની બાબતમાં ઉપેક્ષા દેખાઈ આવે છે. NCRBના આંકડાં અનુસાર 2019માં દેશમાં 11,037 આગ લાગવાના બનાવો બન્યા હતા અને તેમાં 10,915 લોકોના મોત થયા હતા. યોગ્ય વ્યવસ્થા થાય તો આગથી જાનહાની ટાળી શકાય છે તે વિકસિત દેશોમાં જોવા મળ્યું છે, જ્યાં ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને આગ પ્રતિરોધક ઉપાયો કરવામાં આવે છે.
આપણા દેશમાં આગ સામે સુરક્ષાની બાબતમાં તદ્દન બેદરકારી પ્રવર્તે છે. પાયાના સ્તરે તે માટેના કોઈ સાધનો જોવા મળતા નથી. હોસ્પિટલ જેવી જગ્યાએ પણ સંચાલકોની બેદરકારીને કારણે આગનું જોખમ વધી રહ્યું છે. 2010થી 2019 સુધીમાં ભારતમાં 33 હોસ્પિટલોમાં આગ લાગી હતી.
2011માં દક્ષિણ કોલકાતામાં બહુ ભયાનક આગ લાગી હતી. AMRI હોસ્પિટલમાં લાગેલી આગમાં 95 લોકોનો ભોગ લેવાઈ ગયો હતો. એવી જ રીતે 2016માં ભુવનેશ્વરની હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં 23ના જીવ ગયા હતા.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2014માં હોસ્પિટલમાં આગ ફેલાતી રોકવા માટે શું કરવું જોઈએ તેની વિસ્તૃત ગાઇડલાઇન આપી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે ઇમરજન્સી હોય ત્યારે જ દર્દીઓને હોસ્પિટલમાંથી ખસેડવા જોઈએ અને સમગ્ર ધ્યાન આગને ફેલાતી રોકવા પર હોવું જોઈએ. સમયસર આગને પારખી લેવા માટે ધૂમાડાને પારખી લેતા સ્મોક સેન્સર્સ અને વૉટર સ્પ્રિન્ક્લર્સ, પાણીના ફુવારા અને આગ રોકતા સાધનો સૌથી વધુ રાખવા જોઈએ.
ભંડારાની હોસ્પિટલમાં આવા પાયાના કોઈ સાધનો ઉપલબ્ધ નહોતા. હોસ્પિટલો આગની બાબતમાં જોખમી બની રહી છે ત્યારે એ જરૂરી છે કે નિયમપાલન માટે કડક રીતે વિચારવામાં આવે. આગને રોકવા માટે સુદીર્ઘ વ્યવસ્થા અને તંત્ર વિકસાવવું જરૂરી છે. હોસ્પિટલમાં આગ ફેલાતી રોકવા માટે આધુનિક ટેક્નોલૉજી, ઉપકરણો, સાધનો અને તેનો યોગ્ય રીતે ત્વરિત ઉપયોગ કરવા માટે સ્ટાફને તાલીમ બહુ જરૂરી બન્યા છે.