નવી દિલ્હીઃ ગત 18 જૂને હાઈકોર્ટે દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે, ભૂકંપની તૈયારીઓ અંગેના એક્શન પ્લાન પર કામ શરૂ થઇ જવું જોઈએ. કોર્ટે સિવિક એજન્સીઓને પણ આદેશ આપ્યો હતો કે, ભૂકંપથી તૂટી પડવાનો ભય હોય તેવી ઇમારતોનું સમારકામ તાત્કાલિક શરૂ કરાવી દેવું.
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં દિલ્હીમાં ઘણીવાર ભૂકંપ આવી ચૂક્યા છે. આથી આ મામલે વધુ સમય બરબાદ ન કરી તેનો સામનો કરવાની યોજનાઓ ઘડી અમલ શરૂ કરી દેવો જોઈએ.
વિશેષજ્ઞો અનુમાન લગાવી રહ્યા છે કે, થોડા-થોડા દિવસના અંતરે દિલ્હીમાં સતત ભૂકંપના આંચકાના અનુભવોને પગલે એવું કહી શકાય કે, આવનારા દિવસોમાં દિલ્હીમાં કોઈ મોટા ભૂકંપની આશંકા છે. ત્યારે આવા સમયે જો તકેદારીના પગલાં લેવામાં ન આવે તો કોરોના કરતા ભૂકંપમાં જાનમાલનું નુકસાન થવાની શક્યતાઓ વધુ છે.
બિલ્ડરો અને આર્કિટેક્ટની સાંઠગાંઠને પગલે દિલ્હીમાં નવા મકાનોના બાંધકામમાં ભૂકંપના જોખમોને અવગણવામાં આવી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. દિલ્હીમાં 70 હજાર અનધિકૃત કોલોનીઓ છે. જેમાં 50 લાખથી વધુ લોકો રહે છે. એવા વિસ્તારો કે જેમાં ભૂકંપથી નુકસાનનો ભય હોય તેવા વિસ્તારોમાં ફક્ત 10 થી 15 ટકા મકાનોમાં જ ભૂકંપની સાવચેતીને ધ્યાનમાં લઇ બાંધકામ કરવામાં આવ્યું છે.